e, ja rahe chhe amdawadman - Free-verse | RekhtaGujarati

એ, જ રહે છે અમદાવાદમાં

e, ja rahe chhe amdawadman

બારિન મહેતા બારિન મહેતા
એ, જ રહે છે અમદાવાદમાં
બારિન મહેતા

એક

ઊભો હતો ત્યાં

એક ખૂણામાં સંકુડાઈને,

જ્યાં બાળી નાખેલા માણસ

અને ખટારાના ભંગારની વાસ

ચાડી ખાતી હતી

ઘટનાની

જે ના ઘટી હોત તો

થયું તે થયું હોત...

ઊભો હતો ત્યાં

જોતો

આંખોથી સડકને માપતો,

જતાં-આવતાંને નાણતો,

ભીતરનાં ભય અને હિંમતના યુદ્ધને ખાળતો

મુઠ્ઠી વાળતો,

દાંત પીસતો,

માથું લગીર ખજવાળતો,

હાથ ગુંજામાં ઘાલતો,

નગરની ફેરફુદરડી ફેરવતો,

ઊભો હતો...

બે

ચાલતો હતો

પગ પડતા

અને ઉપડતા હતા

પગલે પગલે

અનુભવતો હતો

અજંપો

અને આશંકાભરી સ્થિતિ...

એ... એ... થયું!

અબઘડી કંઈક

જરૂર જરૂર

થવાનું

આમ ને આમ ક્યાં જવાનું?

સમયની બીક

સ્થિતિની બીક

કંઈકની બીક

કોઈકની બીક

નજીક

શ્વાસ જેટલી

નજીક

જાણે ભીતરમાં ભર્યું પેટ્રોલ

શ્વાસ કાંડી

ને હમણાં

અબઘડી

ધડાકો...

ચાલતો હતો

હડબડતો...

ત્રણ

બેઠો હતો

મૂંગોમંતર

અંદર અંદર

છેક અંદર

એના પેટાળે

ઢાળે

ચડઊતર ગજબની

ખંજર આમ થાય તેમ થાય

લોલકની જેમ ગાતું જાય:

હે રામ! હે રામ!

આગની જ્વાળા ભડભડતી

ધૂમાડાથી લખતી જાય:

હે અલ્લા! હે અલ્લા!

નખથી કોતરતો હતો

મૂંગોમંતર.

બેઠો હતો.

ચાર

ઊંઘતો હતો

ઊંઘમાં અટપટા ભોગ ભાસતો હતો:

મજૂરીકામ મળી ગયું છે,

રોજમદારી પાકી ગોઠવાઈ ગઈ છે.

કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ થઈ ગઈ છે;

બધું નક્કી થઈ ગયું છે,

કામે ચડી જવાયું છે.

ત્યાં રીડિયો પડ્યો,

‘ભાગજો, એલા, ભાગજો!

સ્ટેબિંગ ખંજર હુલાવી દીધું!!’

ને

ભાગવા જતાં પડી જવાયું

પછી દડી જવાયું

પછી જડી જવાયું

હવે બે આંગળ છેટું

હવે ઘચ્ચ દેતુંકને

એની આંખો ખુલી ગઈ

એની અંદર જે થયું તે ઊડી ગયું:

હાશ, સપનું હતું!!

સાચે સપનું હતું?

કે પડઘો હતો

મનમાંની ગતિવિધિઓનો?

પડખું ફરી ગયો.

ઊંઘતો હતો.

પાંચ

વાંચતો હતો:

‘ઈતિહાસ હકીકતોનો એવો ખજાનો છે,

જે શીખવે છે કે –’

‘...આજે કાળુપુર, દરિયાપુર, શાહપુર, આસ્ટોડિયા,

જમાલપુર અને રાયખડમાં કરફ્યુ છે.

દેખો ત્યાં ઠારનો હુક્મ છે.’

ટીવી સમાચારોનાં દૃશ્યો અને વાણી

ખેંચી ગયા એની આંખોને તાણી.

બળપૂર્વક પાછો ફર્યો.

ફરી પાઠ્યપુસ્તકના અક્ષરે અક્ષરે ખૂબ તર્યો:

‘ઈતિહાસ

હકીકતોનો એવો ખજાનો છે,

જે શીખવે છે શાંતિ

ને બનાવે છે માણસને શાણો

!?!?!?!?’

વાંચતો હતો...

હુલ્લડમાં ઘેરાઈ ગઈ

પછી હુલ્લડાઈ ગઈ.

હસતી નથી

તો રડતી પણ નથી

બહુ કામ નથી કરતી

તો પથારીમાં બહુ પડી પણ નથી રહેતી

પહેલાંની જેમ નથી બોલતી

પણ સાવ મૂંગી નથી

મરતાં મરતાં બચી એમ નથી

જીવતેજીવ મરી ગઈ એવું નથી

ધગતો કાકડો મોઢામાં નાખો

પછી ચીસ શેં પડાય??

ને પછી તો ઘેરી વળતી હોય છે

અસહ્ય ભીંસ જાતની...

બસ, હવે આયનામાં નથી જોતી.

સાત

સૂનમૂન છે.

જે જોયું જોયું થાય તેમ નથી

જે ખોયું ખોયું થાય તેમ નથી

વરવી હકીકત,

હકીકત છે, ખૂંચે છે

પોતાના સ્નાયુઓ પોતાને ખૂંચે છે.

તાળી દેતા હાથ ટૂંપો દે,

માની કેમ શકાય?

પસવારતા હાથ

હુલાવી દે છરી

સ્વીકારી કેમ શકાય?

પ્રશ્નો છે

પ્રશ્નો પીડે છે એને

એની છાતી પર વાગેલા હિંસક નહોર કરતાં

એના હૈયે ઉઝરડાયેલી શ્રદ્ધા મૂંઝવે છે એને

સૂનમૂન છે

આઠ

મા છે

હાલરડાનું હેત

વહાલપની વેલ

ને સહજ એવો સ્નેહ

તો એની ઓળખ

તો એની ઓળખ

હચમચી જાય ને જોઈને દોઝખ!

‘કોઈ પણ માતાથી કેમનું જોયું જાય?’

‘એ તમારો દીકરો થાય?’

જોઈ રહે પૂછનારની સામે:

‘શું કહેવું મારે આને?’

મા છે

નવ

વિચારે છે

સાચે ઊઠતાં-બેસતાં-ખાતાં-પીતાં

વિચારે છે

કે

બધું ઘડી બેઘડીનું માન્યું

ત્યાં ભૂલ થઈ!

દર વખતે

જ્યારે પણ આવું બને

આગ ફેલાય

લગરીક સૂકા ભેળું ઝાઝેરું લીલું બળી જાય

પછી રાખ વળી જાય

થયું

ને પત્યું

હવે ગયું...

પણ ના,

વખતે

વાત વકરી ગઈ

સદ્‌ભાવના ઠરી ગઈ

જાણે

ભ્રૂણહત્યાને જાહેર માન્યતા મળી ગઈ!

કેમ કેમ

કેમ

કોઈ વિચારતું નથી કે

હું હિન્દુ ના હોઉં

હું મુસ્લિમે ના હોઉં

હું ઈસાઈ પણ ના હોઉં

કે શીખ કે બુદ્ધ પણ ના હોઉં

અરે,

ભારતીય

ચાઈનીઝ

કે પાકિસ્તાની

કે કોઈ પણ દેશનો ના હોઉં

તો હું શું હોઉં?

વિચારે છે...

સ્રોત

  • પુસ્તક : યાદવાસ્થળી (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સર્જક : બારીન મહેતા