પોપટનું ચિત્ર
popatnun chitra
મુરલી ઠાકુર
Murali Thakur

મારા ઘરમાં એક પોપટનું ચિત્ર છે.
પિંજરામાં રાખેલો પોપટ એના સામું તાકી-
તાકી નિઃસાસા નાખે છે.
મારી બારીમાં નાખેલ
ચણા ચણવા
ચકલીઓ આવે છે.
પોપટ પિંજરામાં બેઠો બેઠો
ચીસો પાડી એને ઉડાડી દે છે.
માછલીઘરમાં તરતી માછલીઓને જોઈ
પોપટ પિંજરામાં તરવાનો પ્રયત્ન કરવા જાય છે.
ને –
ને.... ને.... ને
મારા ઘરમાં એક પાંજરાનું ચિત્ર છે!



સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ, ૧૯૮૪ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન