mandgimaan bapujii - Free-verse | RekhtaGujarati

માંદગીમાં બાપુજી

mandgimaan bapujii

બકુલ ટેલર બકુલ ટેલર
માંદગીમાં બાપુજી
બકુલ ટેલર

કેટલી બધી દૂર છે

સામેના ટેબલ પર પડેલી મોસંબી

છે તો બે હાથ

પણ દેહના બુઝાતા અગ્નિમાં ગળતા

ફિક્કી કીકીઓ તાગે... તગ તગ

જીભે ચોડ્યા સ્વાદ

પગોએ ત્યજ્યા રસ્તા

એક નાનકડી મોસંબી હઠીલી થઈ

બાપુજીની આજે પરીક્ષા કરે છે

લે અડ, અડાય તો અડ. હું રહી

વસાયેલા હાથો

હંમેશાં હાથમાં આવી જતી મોસંબી

આજે ઝનૂની બની છે

પૃથ્વીની પેલે પાર જઈને પડી છે.

ઓરડામાં તેઓ એકલા છે.

મારા બાપુજી!

બા પ્રાર્થનામાં રોકાયેલી છે

રાતભર બા કે બાપુજી કોઈ ઊંઘ્યા નથી

આંખમાં ઝીણા ઝીણા અંગારા ધખે છે

બાપુજી જીભે લોચા વળે છે,

અક્ષરના ટટ્ટાર મરોડો પાણીમાં પડ્યા ઢેફા જેવા

બા તેમના બોલ વાંચવા મથે છે

બાપુજી બોલવા શીખતા હશે ત્યારે...

તેમની બા મથી હશે એમ

બાનો હાથ બાપુજીના ધીખતા કપાળે અડે છે

બાપુજી બાના હાથને અડે છે, જકડવા કરે છે

મૃત્યુના શ્વેત ભયને પવિત્ર કરતો હાથ

ઓરડો વિસ્તરીને પૃથ્વીના કદમાં ફેલાઈ જાય છે

એક હાથથી કેટલું બધું થાય છે!

સ્રોત

  • પુસ્તક : એતદ્ : જુલાઈ–ઑગસ્ટ ૧૯૯૯ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સંપાદક : શિરીષ પંચાલ, જયંત પારેખ, રસિક શાહ
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર