madhrate - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મધરાતે

madhrate

કમલ વોરા કમલ વોરા
મધરાતે
કમલ વોરા

કિલ્લો તૂટે

ને વિફરેલું સૈન્ય ધસે

કે ફણા પછાડતો દરમાંથી સાપ નીકળે એમ

તેજ તડિત તોખાર તણખ તલવાર

પવન

ફૂંકાવા લાગ્યો

ઘરની છત

ભડકેલા સાંઢના શિંગે ભરાયેલી

ક્યાંક

આછી તિરાડોમાંથી ભાલા ઊડે...

ભીંતોમાં ભોંયતળિયે

ખળકતાં જળનો અવાજ

વહી જતાં ખળખળ જળનો અવાજ

વેગભર વહી જતાં ઊછળતાં ખળખળ જળ

ભીંતો ઘૂઘવતી જળભેખડો જાણે

ને ઘર

પ્રબલ પ્રવેગે પછડાતા લોઢ પર

હોડકું

વીંઝાતા

પ્રચંડ પડછંદ જળપર્વતો તૂટે

ભીંતો પર

અંધારામાં ઊછળતાં ઘેટાં જેવાં જળ વહે

ચોમેરે

ઘનઘેરાં જળની ખુલ્લી વિકરાળ મોંફાડોમાં

આઘે આઘેના તારા ટમકે

ક્યાંક

પથ્થરો વચ્ચે વડવાનલ પેટે

પ્રગટે ઝબકે રત્નભંડાર

ખળકતાં બેબાકળાં જળ

હમણાં ભોંય ફોડી ઊછળશે છત ભેદી ઊડશે

હમણાં

ભીંતો ખડકાળ કાળાં જળ વહેશે

હમણાં

અંધકારનાં નીરવ પેટાળો તળે

સઘળું

સઘળું ગરકી જશે...

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008