ghughghu ne tute dariyani kinar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઘૂઘ્ઘૂ ને તૂટે દરિયાની કિનાર

ghughghu ne tute dariyani kinar

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
ઘૂઘ્ઘૂ ને તૂટે દરિયાની કિનાર
મણિલાલ દેસાઈ

ઘૂઘ્ઘૂ ને તૂટે દરિયાની કિનાર. થાય તડાતડ ટુકડા ને પાણીમાં તરે

ને પાણીમાં ડૂબે. ટુકડા જોડાય ને વીખાય, વીંખાય ને બાંધે પાળ.

પાળ પર તો બગલાના ધેાળા ધોળા પથ્થર ને ઊડે પાળ ર્ ર્ ર્...

દરિયો ગાંડો થઈને ઊડવા મારે ઠેકો ને ધબ છબાક ઝબાક…ઘૂ...

ખળળ...છબાક...વેરાઈ જાય પડતાંની સાથે થઈને પારાવાર. ઊછળે

સિંધુ. હળવે હળવે ઝૂલે અપાંપતિ, જાણે કે શંખછીપમાંથી ગોકળ-

ગાયની જેમ નીકળીને પાછો જાય ભરાઈ! થાક ખાઈને જાણે પાછો

ફૂંઊંઊં... ફૂંઊંઊં... ફૂંઊંઊં... ખળળ... કરીને આવે, જાણે દરમાંથી

નીકળીને બહાર આવતો કામરિયો સાપ, જાણે ભૂખરી નાગણને

વીંટળાઈ વળેલો નાગ ડહોળા પાણીવાળો! ને જાણે ફરફરી

ઊઠ્યું સુકાયેલું ઘાસ ને ધૂંધવાઈ ધૂંધવાઈને સળગતું લીલું

ઝાંખરું, જેના ધુમાડાની આરપાર નીકળી જતાં સવારના સૂરજનાં

કિરણો.

ધબ...છબાક...ને પાછો વળે, ને પાછળ વળીને તરત ર્ ર્ ર્ કરીને

રેતીની બખોલમાં જાય પેસી જલપતિ. બારણું ઉઘાડું દેખી ઘરમાંથી

ભાગી નીકળતા છોકરા જેવું એક મોજુ રેતી પર પગલાં પાડી

ભાગે કે એને પકડવા આવતી બાની બૂમ જેવું પાછળ પડે બીજું

મોજું, ને થાય મોજાએ મોજાની અથડામણ ને તેમાંથી જન્મે

બીજાં મોજાં ને તે બીજા મોજાંની આજુબાજુ લહેરની ઝૂલ બને,

અને લહેરનું ખાબોચિયું, બને સરોવર, બને મોજાંનું વન, વન

ઊગેલું જુઓ! સૂરજનાં કિરણો તક્ષ્યા કરે સપાટીની શિલા ને

પેટમાં પૂરી રાખેલા વડવાગ્નિને શોધે કે..? કે પછી ચણે માછલીની

આંખ, ઝાલર, ચૂઈ ને પાંખની રાતી લીલી પીળી ઝાંય?

દરિયો તે ધરતીના કોડિયામાં સમાય? મારે ઉછાળા ગાંડો થઈને,

શરીર ખેંચીતને તંગ કરે ને રે, નસ તૂટશે, જાણે હમણાં ને હમણાં

રાતું રાતું ભોંણ થતાંનું થઈ જશે દરિયાનું પાણી! થઈ પાંચ પચાસ

ટિટોડી ભેળી ને કરે કલબલ! દરિયાનું બલ વળી કેટલું! બાંધવો તો

જોઈએ ને! કિનારાની રેતીમાં જળ બિછાવાનું નક્કી થાય. રાહ

જોઇને બેસે રેતી પર કે આવે હવે દરિયાને વ્હારું ને આવે ધસી!

ધસી આવે કે તરત પગલાંની પાંચતારી જાળ બિછાવીને ઊડી જાય

ટિટોડીનું ઝુંડ ને નીચે ઊતરી જુએ: રેતી સાવ સાફ! દરિયો

ખેંચી ગયો જાળ, ને માછલીઓ તો કટાકટ જાળની દોરીઓ કાપવા

માંડે! તો અમારો માવતર! ને માવતરને તે દખ દેવાય?

માવતરનાં તે દખ જોવાય?

ને ર્ ર્ ર્ ર્..ખબ...ગક ગોક...છબાક ધબાક... છબ... ખળખળ

ખળખળ... ફૂંફૂં... ઘૂઘ્ઘૂ ઘૂઘ્ઘૂ...દરિયો એક બાજુ પથરામાં જઈ

ભેરવાય ને ફીણ નીકળે, રેતીમાં મેળવાય ને ચોરી લાવે પગલાં,

છીપમાં પુરાય ને મોતી બની નીકળે. ક્યાંક વળ ખાય માછણના

પગની આસપાસ, ક્યાંક છોલાય શરીરે નીકળતાં માછીની જાળ-

માંથી. ધરતીને ક્યાંક ખડકે બેસી કહે, ‘લે તારાં ફૂલ; મારે

જોઈએ. લે મારી છીપો; હું એને શું કરું?'

પીંઇંઇં પીંઇંઇં પીંઇંઇં વગાડીને છાતી પરથી પસાર થઈ ગયેલ

સ્ટીમરના લિસોટાને ભૂસીને દરિયો તો લીલા રંગે ડોલે, કાળા

રંગે ડોલે, લાલ રંગે ડોલે, ભૂખરા રંગે ડોલે, ને ડોલે રે ડોલે

ભાઈ, ભૂરા રંગે તો. તે ડોલવામાં ને ડોલવામાં સરિત્પતિ તોડી

નાખે પેલી મોટી છીપ. ને ભીના બાલ ખંખેરતી, છાતી પર હાથ

રાખી, સાથળ પર સાથળ વળગાવતી ઊભી થાય વિનસ! ને દરિયો

જો શરમાય છે, દરિયો જો શરમાય છે

ને

મારી ડૂબકી ને તળિયે પહોંચે ને જુએ તિજોરીમાં, તો તિજોરીની

છીપો તો પરપોટાની જેમ જાય ટોચે! ટોચે જઈને તૂટે; લ્યો

કામધેનુ! ટોચે જઈને તૂટે; લ્યો કૌસ્તુભ! ટોચે જઈને તૂટે; લ્યો

પંચજન્ય! ટોચે જઈને તૂટે...રત્નાકર માંડે ધ્રૂજવા ને વાસુકિનાં

ફીણે ફીણે ફેલાવા માંડે દરિયો, માંડે ફેલાવા. ફેલાય ફેલાય ને

રેલાય રેલાય ને ફેલાય રેલાય.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2