pani - Free-verse | RekhtaGujarati

કહેવાય છે કે-

પાણી જીવન છે.

પાણીને આંખ નથી એટલે ગમે ત્યાં-

વહે છે ફરે છે દડે છે ખરે છે.

પાણીને પગ નથી એટલે ગમે ત્યાં-

રહે છે નડે છે ચઢે છે પડે છે.

પાણીને હાથ નથી એટલે ગમે તે-

પકડે છે તોડે છે જકડે છે રોળે છે,.

પાણીને ગમ નથી એટલે બધે

ભળે છે ચળે છે બળે છે લળે છે.

કહેવાય છે કે-

પાણી જીવન છે.

ફૂટે છે ઝાડમાં તૂટે છે ઝાડમાં

ખૂટે છે ઝાડમાં ઝૂઝે છે ઝાડમાં

ઝાડમાં દરિયાના દરિયા ભર્યા છે

ઝાડમાં આભનાં આભ ઉછર્યાં છે

ઝાડમાં મૌનનાં મૌન ઢળ્યાં છે

ઝાડમાં યુગોના યુગ મળ્યા છે.

પાણી બસ પાણી છે.

કેવળ પાણી......

પીઉં છું ઢોળું છું ચાખું છું રાખું છું

એની સૌ હરકતો સાંખું છું

બધ્ધું ઝીલે

બધ્ધે ખીલે

જૂજવાં રૂપે

બુર્ઝવા રૂપે

પાણી જીવન છે

પાણી મરણ છે

એટલે પાણી,

પાણી પાણી થઈ જાય છે

કહેવાય છે કે-

પાણી જીવન છે!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004