aa madhyahne mari chhayane chhetrine - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ મધ્યાહ્ને મારી છાયાને છેતરીને

aa madhyahne mari chhayane chhetrine

સુરેશ જોષી સુરેશ જોષી
આ મધ્યાહ્ને મારી છાયાને છેતરીને
સુરેશ જોષી

મધ્યાહ્ને મારી છાયાને છેતરીને

હમણાં હું ભાગી છૂટ્યો છું.

પણ નમતે પહોરે મારી છાયા

એની કાયા લંબાવી લંબાવીને મને શોધશે.

ત્યારે આંસુ ખેરવીને ચાડી ખાશો નહીં.

હૃદયનો પથરો અન્ધકારના પાતાળમાં

બીકના માર્યા ગબડાવી દેશો નહીં.

બે નિસાસાનાં ચકમક અને ગજવેલ ઘસીને

તણખાની આંખે મને શોધશો નહીં.

કૂવામાં ઊગી નીકળેલા પીપળાનાં મૂળ જેવી આંગળીઓને

શૂન્ય ઉચ્છ્વાસનું ગળું ટૂંપવા ભીડશો નહીં.

શિરાઓની બોડમાંથી અગ્નિફાળ ભરતી વાસનાઓને

મારી પાછળ દોડાવશો નહીં.

મારું પગેરું કાઢવાને આંધળી સ્મૃતિઓને રઝળાવશો નહીં.

દુષ્કાળની નદીના રેતાળ પટ જેવા લલાટે

કંકુની ચણોઠી વાવશો નહીં.

બે આંખનાં ઝેરી પડીકાં ઘોળી ઘોળીને

ચાંદાસૂરજને પિવડાવશો નહીં.

સ્રોત

  • પુસ્તક : ઈતરા (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સર્જક : સુરેશ જોષી
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 1997
  • આવૃત્તિ : 2