dholi dhaja - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં ધોળી ધજા નહીં.

કંઈ તારી મજા નહીં.

છો થઈ બન્ને ભમ્મર સફેદ,

નીચે બબ્બે આંખો કાળી,

નજર? એક બીકાળી,

જાણે

મારણથી માંચા તક સદ્ધર હોય ઉછાળી છેલ્લે

છેક છેલ્લે

છો છેતરાયેલા તો યે ખુન્નસવાળા વાઘે

આઘે હતું ને આવ્યું આંગણે કટક, ભલે.

ભલે ભાંગ્યાં કમાડ, બૂરજ ભલે ઢળ્યા, ખૂટલ ખાટયા ભલે;

‘લે, લે’ કહી ધજા,

ધોળીધબ,

ધરે

કરે તારે

જો કોક

ધોળાધબ મોઢાળા,

ધરાર,

ધોળી ધજા ઝલાવે તને

અને ધકેલે, ‘જા, સુલેહ કર’,

સલાહ આપે શરણ માગ્યાની,

-તો આણ તને તારા માગ્યા મરણની

કે ઘા વાગ્યાની પરવા તનિક કર્યા વિણ ભચ્ચ

ઘુસાડજે અણિયાળો છેડો

બીજો છેડો

ધજા લાઠીનો

તારી પોતાની છાતીમાં વચ્ચોવચ

-છત્ર ભલે ના તારું, છાતી સુવાંગ તારી-

ઘચ્ચ, ઘૂસતાં ધજા-લાઠીનો બીજો છેડો

ધધક્ ધધક્ ધધક્ધધક્ધધક્ અધધધ વહેશે લાલમલાલ

તારું લોહી.

લોહી રાતું ચોળ.

તારે પંજે ભાળી ધોળી ધજા લાજથી

લોહી રાતું ચોળ,

ખોબલે ભરી ખોબલે બમ્બ બમ્બ બમ્બોળ

ચોળજે

તરબોળ બોળજે

આખી ઝબોળજે

રણ રંગ રોપજે

લબડતી લાઠીને બીજે છેડે જે ધજા

ધોળીધબ,

એને રાતીચોળ,

લાલમલાલ રંગજે.

એવી લાલ લાલમ

જાણે પાગલ ઘોડો, પાગ ભાંગલો, તો યે બેલગામ

હજી હણહણે, બટકાં ભરતો, હજી ઉછળતો, ઝાડઝાડ થઈ

નભ! ભરતો, વનમાં માંચડેથી યે એક મથોડું ઊંચો ઝાડ ઘોડલો

પાગલ અણનમ

નેજો તારો

નેન લાલ લલામ્,

ફડ ફડ

ફાટ ફાટ ફાટ્યો,

ફાટતો લીરેલીરા

તો યે નમ,

ને આખરનો નેજો તારો અણનમ,

આખરની

હોય મજા જે

એના સરખી

મરવા સરખી કોઈ મઝા નહીં ધોળી ધજા નહીં, ધોળી ધજા નહીં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 339)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004