gharajhurapo 5 - Free-verse | RekhtaGujarati

ઘરઝુરાપો - 5

gharajhurapo 5

બાબુ સુથાર બાબુ સુથાર
ઘરઝુરાપો - 5
બાબુ સુથાર

ચાલતાં ચાલતાં સિમેન્ટનો રસ્તો

એકાએક ગાડાવાટ બની ગયો,

જોઉં છું

તો રસ્તાની બેઉ બાજુએ

ફાફડિયા થોર,

આવળ,

બાવળ,

આકડિયા,

પુંવાડિયા,

ડોડી,

ક્યાંક દર કીડીના,

ક્યાંક રાફડા,

ક્યાંક ધૂળમાં સાપના લિસોટા,

ક્યાંક મંકોડો જાય મલકતો.

હું પૂછી બેસું:

મંકોડાભાઈ, મંકોડાભાઈ, ક્યાં ચાલ્યા?

મંકોડો કહે: માધેવજીના દેરે.

ક્યાંક પતંગિયાં સપ્તર્ષિને આકારે

ફર્યા કરે

ફૂલ પર,

પાન પર.

એટલામાં દેખાય એક ઘુણી.

ઝરમર માતાના ડુંગરાઓને

પીઠ પર હારબંધ બેસાડીને ચાલી જતી.

દેખાય પુંવાડિયાના પાંદડે

ગેડીદડો રમતા

રામદેવીરમદે.

આકડિયાના પાંદડે

હનુમાનજીની

બે આંખો

ઊઘડે

ને

બંધ થાય.

મારી નજર એકાએક

ફાફડિયા થોર પર લાગેલા

એક રતૂમડા ફળ પર પડી.

હું ગયો એની પાસે

વરિયાળીની સુગંધને કાપતો કાપતો.

પછી હળવે રહીને મેં ફળને તોડ્યું,

ઉપરથી કાંટા કાઢી

નાખ્યા બાજુ પર,

છાલને દૂર કરી,

હું એને મોઢામાં મૂકવા ગયો.

ત્યાં

કંઈક ગરબડ થઇ ગઈઃ

મા અને બાપાની આંગળીઓ,

ડાંગર અને ઘઉંનાં કણસલાં

અને

મોબાઈલ ફોન પરના આંકડાઓની વચ્ચે

ભેળસેળ થઈ ગઈ.

ત્યાંજ

એક વાદળ આવ્યું,

મને ધક્કો મારીને

ચાલ્યું ગયું.

સાથે

હું પાછો

સિમેન્ટના રસ્તા પર

પૂરના પાણીમાં

કપાયેલી ડાળ તણાય

એમ

તણાતો

મારા પડછાયામાં.

સ્રોત

  • પુસ્તક : ઘરઝુરાપો (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : હેતુ પ્રકાશન
  • વર્ષ : 2010