paDchhayo - Free-verse | RekhtaGujarati

‘O, Wood Cutter,

Cut my Shadow.'

હિન્દુ બનું

બુદ્ધ બનું

મુસલમાન બનું

આ પડછાયો કપાતો નથી,

મારાથી.

કુલડી ગઈ

સાવરણી ગઈ

આ પડછાયો છૂટતો નથી

મારાથી.

નામ બદલું

કામ બદલું

ઠામ બદલું

જાત બદલું

આ પડછાયો છોડતો નથી.

ભાષા બદલું

વેશ બદલું

ઇતિહાસ બદલું

આ પડછાયો તૂટતો નથી.

સ્મૃતિ રહ્યું

બંધારણ રચું

કાયદા કરું

થાપણ બનું

કોઈ કાળે આ પડછાયો ભૂંસાતો નથી.

‘O, Wood Cutter,

Cut my Shadow.'

રસપ્રદ તથ્યો

અંગ્રેજી ભાષામાં છે એ સ્પૅનિશ કવિ લૉર્કાની પંક્તિ છે

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 347)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007