ઑફિસમૈત્રી
Officemaitry
ગેવિન એવર્ટ
Gavin Ewart
ગેવિન એવર્ટ
Gavin Ewart
ઈલા પાગલપણે હરેશના પ્રેમમાં છે
અને હરેશનો જીવ શીલામાં છે.
ચંદ્રકાંત બહુ જ થોડાકને પ્રેમ કરે છે
અને થોડાક તેને પ્રેમ કરે છે.
મેરી બેઠી બેઠી ટાઈપ કરે છે પ્રેમની નોંધ
રોમેન્ટિક પિયાનોવાદકની આંગળીઓની અદાથી.
ફિરોઝ ઊંચે આકાશ તરફ જુએ છે
જ્યાં ફાલ્ગુનીની દિવ્ય સુગંધ લ્હેરાય છે.
નીતાની આંખોમાં ગોળ ફરે છે વળ લેતાં સાપોલિયાં
અને મગરૂરીથી પોતે ધીમે ધીમે ચાલે છે.
દરેક જણ અણુએઅણુમાં રોમાંચ અનુભવે છે
સુનીલની વાતોના ઈશારાઓથી.
દબાયેલી જાતીયવૃત્તિ બેફામ આક્રમક થશે
પણ તે આ૫ણને સૌને જીવંત રાખે છે.
પત્નીઓ અને કામની દુનિયામાં આ છે એક અદ્ભુત હવાફેર
અને તેનો અંત આવે છે સાડા પાંચે.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
