aa phakt ek marghani wat chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આ ફક્ત એક મરઘાની વાત છે

aa phakt ek marghani wat chhe

ઉદયન ઠક્કર ઉદયન ઠક્કર
આ ફક્ત એક મરઘાની વાત છે
ઉદયન ઠક્કર

મસ્જિદબંદરમાં મણિલાલ નામે

એક બદામી રંગનો મરઘો રહે છે.

મણિલાલ નાનાં મરઘાંઓને બિવરાવે છે.

મરઘીઓ અગાડી છાતીમાં હવા ભરીને બાંગ મારે છે.

ખાધેપીધે સુખી છે, ટૂંકમાં.

મણિલાલ મરઘાને ખબર નથી

કે પોતે થોડા દિવસોમાં ખવાઈ જવાનો.

પણ ધારો કે એને ખબર બી હોય,

અને ગમે તેમ ભાગી બી જાય,

તો ચાર ગલ્લી દૂર ડોંગરીમાં એને બીજો કોઈ પકડી પાડશે,

અરે મુંબઈની બારે ભાગી જાય તો સીમ ને ખેતરોમાં ઝાલશે,

જંગલમાં ભાગે તો ભીલડાં ને શિયાળવાં દાંત ભેરવશે,

દરિયામાં ડાઈવ લગાવી તરતો તરતો ઇન્ડિયા છોડી દે

તો રોમ ને રંગૂનમાં રાંધશે,

માલિક સામે લડશે તો ગળું ટૂંપશે,

ખુશામદ કરતો રહેશે તોય કાપશે,

સંતાઈ છુપાઈ જશે તો ગોતીગોતીને મારી ખાશે.

કહો તેમ કહો, મણિલાલ જાય ક્યાં? મણિલાલ કરે શું?

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 373)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004