nyu york–ek haran - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ન્યૂ યોર્ક–એક હરણ

nyu york–ek haran

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
ન્યૂ યોર્ક–એક હરણ
પ્રિયકાન્ત મણિયાર

સ્નેહાળ શકુન્તલાનેય સાચવવું ભારે પડી જાય

એવું ઠેક ઠેક કરતું એક રમ્યતમ હરણ

સમગ્ર વનમાં અદ્વિતીય

આકાશમાં અનુપમ

ત્વચાના અવેષ્ટનમાં પ્રગટ થતી કુમાશમાં

તબકતી ઝીણી ઝીણી ટીપકી—

—ની છટાથી

વ્હેતી હવાનેય હરણું બનાવી દે છે

એમ સમજોને વાયુને કાયા મળી

ને હરણ દોડવા માંડ્યું.

એની એટલી ગતિ એટલી ગતિ

પૃથ્વી તો પાર કરી

આકાશે ઓછું પડે છે જુઓને ચંદ્રમાંય

એનાં પગલાં પડ્યાં—

પરિણામે અતિ ગતિથી આખો વનનો વિસ્તાર એનો છે

એકલું રૂડુ રૂપાળું રમ્યતમ્ હરણ

ગતિશ્રેષ્ઠ હરણ

કોઈ એને રોકી શકે તેમ નથી

ઊભું રહેતાં તો એને આવડતું નથી

ઠેકઠેક ચારે દિશાએ એની ગતિ ગાજી રહી છે

શી તારુણ્યની તાકાત–

દોડતાં દોડતાં દોડતાં પાતળા પગોમાં જાણે કોઈ

અનંત શક્તિ સીંચી હોય પગમાં જાણે સુરંગ ફોડી હોય—

—એનો અવાજ તો છેક વિયેટનામથી આવે છે—

સમયની ક્ષણેક્ષણનો વિસ્તાર

વનના કણેકણનો વિસ્તાર-લીલાંછમ બોર્ડોમાં સ્પીડ લખી છે છતાં

પાર કરે છે એટલી પ્રબલ ગતિથી કે

એના વાંકડિયાળ શિંગમાં પ્રગટી ઊઠે છે પાવકની જ્વાળાઓ

અદ્ભુત અગ્નિની શિખાઓ—

એવા પ્રદીપ્ત અગ્નિની શિખાઓનાં શિંગડાંની

હવે તો લાગી ગઈ ઝાળ

કોરાં કોરાં વન–વિસ્તારમાં

પાવક પ્રજવળી ઊઠ્યો છે.

હરણને ગતિનો ચાક ચગ્યો છે.

ચારેકોર ફેલાઈ ગયું છે શિખાઓનું સુવર્ણ,

અગ્નિનું કાન્તાર ધગધગતું

એક બચી ગયો છે સમય,

થોડી વારે હોલવાય છે ત્યારે

નવ કોઈ અવશેષ એકલ

ધીરેધીરે હાંફતુ હાંફતુ હરણ....હજી ચાલે છે

હવે પણ એનાં પગલાં રાખમાં પડે છે.

સ્રોત

  • પુસ્તક : પ્રબલ ગતિ (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : પ્રિયકાન્ત મણિયાર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1974