raat 1 - Free-verse | RekhtaGujarati

બેહકે બેઠો દાડો

ખાટલે ઢળ્યો

ઈસ બટકાણી

ખોયલું થયો

હોકલીનો અંગારો કાજળાયો

ભૂરો રેતાળ રજોટી ધુમાડો

ગળામાં ખરખરી પાડે!

દનનાં ધણ ને ધણ

ધડાધડ ધોડે

ડચકારા ઉલેચાય

બોઘા પાડે ટાબરીયાં

થાકેલો સીમાડો ઢહેડો કરે

વળે ભણી ઘર નેજવાં ધરે!

ઓસાડ પાથરે સેતર

ધૂણે શેઢા ડાકલે

ખરીઓ ઉપર ખરીઓ ખૂંદાય

વાડ્ય ઉજણે સાવરણી કટલાં

ઝાટ ઝાંખરે ડાળીઓ ફૂટે પંખીની

શેઢકડાં દૂધ બોગરણાં

ખીલો વાગોળે ગમાણ

ટમટમિયાં દીવેલ ગોખે

વાટ સંકોરાય

ઓલાય

બારણાં ખાય બગાસાં

આંદેણી તણાય

ગાભા ગોદડાં માંચા ખેંચે

જળ જંપે

ઘર-શેરી-નદીનું

ભીંસી લે બાહુપાશમાં

રુમઝુમ

રાત નવોઢા.

સ્રોત

  • પુસ્તક : અજાણ્યો ટાપુ (પૃષ્ઠ ક્રમાંક 46)
  • સર્જક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : પાર્શ્વ પ્રકાશન
  • વર્ષ : 1997