રિચર્ડ કોરી
richard kori
એડ્વિન આર્લિન્ગટન રોબિન્સન
Edwin Arlington Robinson

જ્યારે જ્યારે રિચર્ડ કોરી આવતો શહેરમાં
ત્યારે ત્યારે એકધારું તાકી રહેતા તેને અમે ફૂટપાથિયા
હતો એ તો નખશિખ સદ્ગૃહસ્થ
રૂડોરૂપાળો ને જાણે રાજવી એકવડિયો ને શું હતો એનો રાજવી ઠાઠ.
શોભતો એ સુઘડ પહેરવેશમાં, લાગતો ઠરેલ
ને બોલીમાં તો છલકતી નકરી માણસાઈ હંમેશ
ઉર ધબકારા ધ્રુજાવતો જ્યારે એ ઉચ્ચારતો સુપ્રભાત
મલપતી ચાલે એ ચાલતો ચોપાસ ચમકાવતો
ને હતો એ ધનિક હાં, હાં, રાજાથીયે વિશેષ
વળી સદ્ભાવના નીતરતી એના દરેક કામકાજમાં
ઓહો ઓહો લાગતો પૂરણ પુરુસોતમ એ તો
કાશ, એના પેંગડામાં પગ નાખવાનું નસીબ આપણને મળે
લો, આપણે તો પાછા ખૂંપી જતા કામમાં ને રાહ જોતા ઉદ્ગારની
મોટું જમણ ન નસીબમાં; હતી બસ સુક્કી ભાખરી
અને, હા, પેલો રિચાર્ડ કોરી – ઉનાળાની એક શીળી રાતે જઈ ઘરે
ધરબી દીધી એક ગોળી એણે પોતાને લમણે.
(અનુ. ઉત્કર્ષ મઝુમદાર)



સ્રોત
- પુસ્તક : संगच्छध्वम् (પૃષ્ઠ ક્રમાંક 165)
- સંપાદક : સિતાંશુ યશશ્ચંદ્ર
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 2023