narangi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નારંગી

મહાભારતકાળની છે

એવું તમને લાગશે

પણ ખરેખર એવું છે નહીં

એટલી ચોખવટ આરંભે કરી લઈએ.

પહેલા દિવસની વાત છે.

સૂર્ય ઢળી ચૂક્યો છેઃ હવે આરંભાયો છે

યુદ્ધવિરામ કાલરાત્રિનો.

ઘાયલ યોદ્ધાઓની શુશ્રૂષામાં

વૈદ્યો ઉપરાંત નારંગીઓ પણ

કુશળ ગણાય છે તો તમને ખબર હશે જ.

ક્ષત વિક્ષત અંગોને કારણે

પીડિત અને પ્રબળ ઊંહકારા કરવાની

યથોચિત ક્ષણ હોવા છતાં

યુદ્ધોન્માદ અને યુદ્ધવિદ્યાઓના અહંકારને વશવર્તીને

બધા યોદ્ધાઓ હોઠ ભીડીને પડેલા છે

પોતપોતાના તંબુઓમાં.

વૈદ્યવર્યો ને પરિચારિકાઓ

યોગક્ષેમ, કરુણા ને સત્તાના આધિપત્યમાં

સકળ સૃષ્ટિનું

રુગ્ણાલયમાં રૂપાંતર કરી ચૂક્યા છે.

ઔષધિના દેવતાને જરીકે જંપ નથી.

સમયે

દીપકના ઝાંખા અજવાસમાં એક નારંગી જુવે છે કે

એક બલિષ્ટ યોદ્ધાના

ખડતલ ને ઘાટીલા અંગ પર ઊંડો ઘા પડેલો છે

ને એમાંથી નાની નાની

તીવ્ર રંગની નારંગીઓ ગબડી રહી છે.

કૌતુકવશ નારંગીએ દડદડતી નારંગીઓનું

પૃથક્કરણ કર્યું કે રૂપ રસ ગંધ

ને કંઈક અંશે સ્વાદ બાબતે

બધી પોતાના સમાન વંશીય ગુણધર્મો

ધરાવે છે: કમી હોય તો એટલી

કે પોતાની જેમ રસરક્ષાકવચ

જેને મનુષ્યો તુચ્છકારથી છાલ કહે છે તે

ધરાવતી નથી.

નારંગીના આવા મનોભાવ સમજી ગયેલી

પેલી દદડતી નારંગીઓએ સહજ સ્પષ્ટતા કરી કે

સખી, તારી સ્હેજ સમજફેર થતી લાગે છે,

ના, અમે નારંગીઓ નથી, બિલકુલ નથી.

અમે તો યુદ્ધનું કલ્પન છીએ.

ને વૈદ્યો ને વિદ્ધો અમને શોણિતનાં ટીપાં કહે છે:

જો કે એક કારણસર આપણે સૌ એક ગોત્રનાં ગણાઈએઃ

ગયા જન્મે અમે બધાં તારા જેવી

રમ્ય નિર્દોષ ને રમતિયાળ નારંગીઓ હતાં.

એટલામાં સૂર્યની પ્રથમ ટશર ફૂટીઃ;

બધી માંસમજ્જાઓ યોદ્ધાઓનું વીરોચિત શરીર બની ગઈ

બધી ધાતુઓ દ્યુત અને વિદ્યુત

બધી વિદ્યાઓ મેલી વિદ્યાઓ

બધી શક્તિઓ શાક્તસંપ્રદાય

બધા ઉદ્ગારોઃ કરિષ્યે વચનમ્ તવ

બધા છંદોઃ છિન્દતિ છિન્દતિ

બધાં ભૂતોઃ ભભૂતિ ભભૂતિ

નારંગી હવે પોતાના ભૂત અને વર્તમાનને જાણનારી

દૃષ્ટા નારંગી બની ગઈ

જો કે ભવિષ્યથી અનભિજ્ઞ ને તેથી ભયભીત.

સૌથી ભયાનક સત્ય હતું કે

સ્વયં સ્થિર હતી એક તુમુલ યુદ્ધની મધ્યે, નિઃશસ્ત્ર

આમ ને આમ, નારંગીએ પોતાના અભણ આત્મા વડે

અઢાર દિવસની યુદ્ધવાસરિકા નારંગી શાહી વડે આલેખી

ને એક રતાંધળા રાજાએ તેને ઉકેલવાની મથામણ કરી.

જય પરાજ્ય કે સંજય વિષે કશુંય સમજી શકતી

હાહાકારમાં પોતાના નારંગી રંગ અને ગોળાકાર

માંડ માંડ સાચવતી

પેલી નારંગી છેવટે સૂર્યના પ્રકાશમાં બહાર આવી.

એણે જોયું કે ક્યાંય નહોતું યુદ્ધ, ક્યાંય નહોતો યુદ્ધોન્માદ

નહોતા આર્યપુત્રો, નહોતું આર્યભિષગ્

નહોતા વૈદ્યો, નહોતી પરિચારિકાઓ

માત્ર નારંગી રંગ ફેલાયેલો હતો સર્વત્ર

નારંગીના ઝેરી રસથી રસબસતો

કંઈક અંશે નારંગીના સ્વાદ અને ગંધમાં તરફડતો.

મહાનારંગીનું વિરાટ દર્શન હતું:

પોતાનાં કુળ અને ગોત્ર વિષે નારંગીને

ગર્વિષ્ટ અહોભાવ ઉત્પન્ન થયો.

મતિમૂઢ નારંગીના ભોળપણ પર દ્રવી જઈને

પ્રજ્ઞાવાન નારંગી જેવા સૂર્યએ આકાશવાણી કરી:

હે મૂઢ, તું જેને મહાનારંગી સમજી રહી છે

તે નારંગી નથી તે તું નિશ્ચિતપણે જાણ.

તે તો સંખ્યાતીત પૃથ્વીઓમાંની એક છે ને કેવળ

યુદ્ધનું પુરાકલ્પન છે.

એક બીજી વાત સમજી લે કે

યુદ્ધના નિર્લેપ સાક્ષી હોવાના પુણ્યે અથવા પાપે કરીને

આવતા જન્મે તારે નારંગીના શરીરમાંથી મોક્ષ પામીને પૃથ્વી થવાનું છે.

આંખે પાટા બાંધી શાપ અને વરદાનની સંમિશ્ર

પાંડુલિપિ ઉકેલતી

નારંગી હવે નિજમાં નિમગ્ન આથમી રહી છે

ધીમેધીમે

ને ઊગી રહ્યું છે એક સત્યઃ

તમે રસાળ હો કે શુષ્ક

તમે સશસ્ત્ર હો કે નિઃશસ્ત્ર

તમે કરુણામૂર્તિ હો કે કરાલમૂર્તિ

ત્રણેય કાળમાં તમે રહો છો કેવળ નારંગી

અને નારંગી તે નિરંતર યુદ્ધનું એકમેવ નિત્યકલ્પન છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 428)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • વર્ષ : 2004