tasu tasu kartan - Free-verse | RekhtaGujarati

તસુ તસુ કરતાં

tasu tasu kartan

કાનજી પટેલ કાનજી પટેલ
તસુ તસુ કરતાં
કાનજી પટેલ

શું નામ?

ખાતો પીતો ને વેળાએ ભૂખ્યો.

કામકાજ?

નજર ઝનૂન અને ભાલોડીભેર સરકવું

વનવગડા વીંધવા.

જીવાઈ?

દનનો દાણો ને રાતનો પહાણો.

દેશ?

ડુંગરા.

પગદંડી હતી

મહેનત મળતરનાં પલ્લાં રચાયાં હતાં

ધણીબૈયર બાધા રાખતાં

વેલો વધારવા

ડુંગર અગ્નિએ નવાડતાં

દેવના કાળજે જઈ અડતો દવ

ભોગ ભેગો હરો પીવાતો

વેળાની વાત છે

પછી પલ્લાં રચાયાં

કુહાડીમાં હાથા પેઠા

વેઠ આવી

વાયરા ને વગડા વઢાયા

ગયાં જડમૂળ, પાટ ને ખેડ

મેદાન ડુંગર જળ પહાણા સહુ ગયાં

કામઠી ગઈ ધનુષ આવ્યું

ધકોડો ગયો તીર લાગ્યું

જનવનના ઠરાવ તૂટ્યા

તળાવ ફૂટ્યાં

તસુસતુ કરતાં જીવાઈ, નામ, દેશ ને કામ ગયાં

રસપ્રદ તથ્યો

ભાલોડીભેર ; તીરની જેમ. પલ્લાં : ત્રાજવા, પ્રમાણ ઠેરવવાનું સાધન. ડુંગર અગ્નિએ નવાડતાં : માનતા પૂરી થતાં ડુંગર બાળવાની આદિવાસી પરંપરા.

સ્રોત

  • પુસ્તક : ડુંગરદેવ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
  • વર્ષ : 2006