rikt thawanun hoy chhe, krmash - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રિક્ત થવાનું હોય છે, ક્રમશઃ

rikt thawanun hoy chhe, krmash

મનોહર ત્રિવેદી મનોહર ત્રિવેદી
રિક્ત થવાનું હોય છે, ક્રમશઃ
મનોહર ત્રિવેદી

હુંયે મારા ગામની વહેતી માલિનીથી

વિશેશ કઈ નથી, પ્રિય કવિ..

નદીએ વહી વહીને

રિક્ત થવાનું હોય છે, ક્રમશઃ

આશાઢ—શ્રાવણનો ઉછાળ

ને તેની બે કાંઠાને લાગતી છાલક

હું જોઉં સતત

ને સમાઈ જાઉં દીર્ઘ બે બાહુ વચ્ચે

પ્રતીક્ષારત સંભારણાઓને

આટલી મોકળાશ મળી રહે છે

પણ ક્યાં ઓછું છે,પ્રિય?

ફરી પાછો

સમથળ

વહી જતો ક્ષીણ પ્રવાહ

તિમિર—તદ્રૂપ

પ્રત્યેક ઉદાસ ઘેરાતી સાંજે

આછરતું જવાનું, ડૂકતું જવાનું..

માલિનીને તીરે ઊભેલાં

પેલાં અસંખ્ય ઘર

અરવ અટકળની મુદ્રામાં દેખાય છે

ધીમે ધીમે

ઘરેઘરના દીપ પ્રગટવા માંડયા છે

જળમાં

એનાં શત શત પ્રતિબિંબ ઝિલાય છે

ને હું જોઉં છું તો

દૂર દૂર તણાયે જાય છે દીપસમૂહ

વહેતાં નીરની પ્રતિચ્છાયા

મારાં વિહ્વળ લોચનમાં તરે છે

અણસાર આવતાં

દક્ષિણ કરની તર્જની

અવશપણે ત્યાં જઈને ઊભી રહે છે

અને ટેરવા પર ઊપસી આવે છે.

દ્વાદશ સૂર્યથી આલોકિત

એક અશ્રુદ્વીપ

તેના ફરતી ઘૂમરીઓ લઈને

માલિની પેઠે

મારે વહી વહીને

રિક્ત થવાનું હોય છે, ક્રમશઃ

ગોધૂલિવેળાએ

સીમમાંથી પાછી વળતી ગ્રામવધૂઓ

માલિનીના વહેણમાં

પોતાના પગ ઝબોળીને બેઠી હોય

ચાસટિયાનો ભારો રેતીના ભાઠામાં ઉતારીને

ખળખળતી વાતોમાં

ઓસરતી જતી સંધ્યાનું પણ

ઓસાણ રહે ટીખળ વચ્ચે

સામે ભગવાન શિવના મંદિરમાંથી

તન્મય, આરાત્રિક સ્વર વહે પૂજારીનો

ઝાલરનો રણઝણાટ, શંખધ્વનિ ને ઘંટાર...

પેલી ગ્રામવધૂઓ

એકાએક ઊઠીને ચાલવા માંડે

ધણ અને ઘરનું સ્મરણ થતાં..

હું ઊઠું છું.

વહું છું તારા તરફ

પલકવારમાં

મારી આસપાસના અન્ય સંદર્ભો

ઘેરી લે છે મને, નદીની જેમ

નદીએ સંદર્ભો વચ્ચે ઘેરાઈ ઘેરાઈને

રિક્ત થવાનું હોય છે, ક્રમશઃ

સ્રોત

  • પુસ્તક : છુટ્ટી મૂકી વીજ (પૃષ્ઠ ક્રમાંક 120)
  • સર્જક : મનોહર ત્રિવેદી
  • પ્રકાશક : જનપદ પ્રકાશન
  • વર્ષ : 1998