mare shun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે શું

mare shun

નીતા રામૈયા નીતા રામૈયા
મારે શું
નીતા રામૈયા

તમે પીળી પિતાંબરી પહેરીને ઊભા તો ભલે ઊભા

મારે શું

જમુનાની વાટ તમે કાંકરી ઉલાળી બેઠા તો ભલે બેઠા

મારે શું

હું તો મારે નીકળી ગઈ આંખ તીરછી કરીને

એમ મારી મટુકી કોઈ ફોડે ને ઢોળે

વાતમાં શું માલ છે

તમે કાનમાં કુંડળ પહેરીને ફરતાં તો ભલે ફરતાં

મારે શું

કદંબની ડાળીએ જઈ તમે વેણુ લઈ બેઠા તો ભલે બેઠા

મારે શું

હું તો મારે જઈ ચડી જમુનાઘાટ ભર્યું બેડે પાણી

ને નીકળી પડી કુંજગલીમાં

એમ કાંઈ મારી કંચૂકીની કસ છૂટે ને તૂટે

વાતમાં શું માલ છે

હીરે જડ્યો મુગટ ને ઉપર મોરપિચ્છનું છોગું

ધરીને તમે બાંકે બિહારી રહ્યા તો ભલે રહ્યા

મારે શું

પગની આંટી વાળીને તમે વનમાળી થયા તો ભલે થયા

મારે શું

હું તો મારે કરતી રહી સઘળાં કામ ઘરનાં ને ગામનાં

સાબૂત હતાં મારાં ભાન અને સાન

મારી નથણી ખોવાઈ-બોવાઈ જાય

વાતમાં શું માલ છે

એવો રાસ રમવા જાય મારી બલ્લા

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008