mara gamne mari nadiye ! - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા ગામને મારી નદીએ...!

mara gamne mari nadiye !

રમેશ જાની રમેશ જાની
મારા ગામને મારી નદીએ...!
રમેશ જાની

સાંભળ્યું છે

મારા ગામને

મારી નદી

ઘુમરાતાં ચકરાતાં અકરાંતિયાં વમળોમાં

અકળાવી અમળાવી મમળાવી

પોતાની સાથે તાણી ગઈ છે :

પેલી ગાંડી કંકુડીની જેમ

પોતાના

હસતા રમતા ગેલતા

નાનકડા શિશુને

ફેરફૂંદડી ફેરવતાં ઘુમાવતાં ફેરવતાં

ગામની નિંદરતી નિઃસહાય શેરીઓમાં

છુટ્ટાં જટીઆંએ ચીખતી દોડતી ઘૂમતી કૂદતી

ફીણ ફીણ થતી હાકોટતી મધરાતે

અંધકારમાં ફેલાઈ ને

પ્રેત બની ગઈ હતી તેમ!

સાંભળ્યું છે.....

સારું છે, માત્ર સાંભળ્યું છે!

.....ત્યાં હજી

જવાય એવું નથી

મનથી યે

ઉઠાય એવું નથી!

સારું છે, માત્ર સાંભળ્યું છે.....

પણ

મારી સીમને ભરી દેતી

ગુપત ગોઠે સદાયે મર્મ’રતી

પેલી હલેતી

તાડની જોડીનું શું થયું હશે?

આમલા-મલી પીપળા-પીપળી અને

વડની ઘટાળી છાયામાં ઊગેલા

પેલા મંદિરને–

સૌએ છેલ્લે શું કહ્યું હશે?

રોજ સવારે

કોઈ હિલ્લોળતી ડાળીએથી

ઘરને મોભેથી

નીચે ઊતરી આવતાં

પેલાં પંખી-પારેવાંનો

ચણતો કલબલાટ

પાછો ક્યાં જઈ ને

રાત્રે લપાઈ જશે?

સાંભળ્યું છે,

મારા ગામનાં કેટલાં જણ.....!

સાંજને પ્હોરે નદીએ પાણી પીને

પાછાં વળતાં

રૂમઝૂમતાં ગોધણ.....!!

સાંભળ્યું છે

મારા ગામને

મારી નદીએ

ઘુમરાતાં ચકરાતાં

ભભરાતાં વકરાતાં વમળોમાં.....

સાંભળ્યું છે

મારા ગામને

મારી નદીએ.....

સ્રોત

  • પુસ્તક : પૂર્વા (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : રમેશ જાની
  • પ્રકાશક : અક્ષરા (મુંબઈ) પ્રકાશન
  • વર્ષ : 1984