murkh rahevaa sarjaayelaa maanasnii vaat - Free-verse | RekhtaGujarati

મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત

murkh rahevaa sarjaayelaa maanasnii vaat

લાભશંકર ઠાકર લાભશંકર ઠાકર
મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત
લાભશંકર ઠાકર

સાચે માણસ ભાગ્યવાન પ્રાણી છે.

હું હતાશ થવા કરતાં

મૂરખ થવાનું પસંદ કરું

પણ મારા હાથની વાત નથી

કશું મારા હાથમાં નથી

મારા હાથ પણ મારા હાથની વાત નથી.

હું સાકરની મીઠાશ ગુમાવી બેઠો છું.

વસંતઋતુમાં વિહ્વલ થઈ શકતો નથી

ખાટી કેરીની કચુંબર મને ભાવતી હતી,

પણ હવે -

અને છતાં હું ખાઉં છું

ઘરમાં, હોટલોમાં

મહેમાન બનીને મિજબાનીઓમાં હું ખાઉં છું -

હું જાણું છું કે હું ખવાઈ ગયો છું

અને છતાંયે હું ખાઉં છું.

ખવાઈ ગયેલો માણસ ખાઈ શકતો નથી

હાથ વગરનો માણસ લખી શકતો નથી

અને છતાં હું લખું છું.

આંખ વગરનો હોવા છતાં

રંગીન પુસ્તકો છપાવું છું

એક ટેવ છે આ,

માણસની ટેવ છે.

મૂર્ખ મટી ગયેલા દુર્ભાગી માણસની ટેવ છે,

માત્ર ટેવ છે.

ઊંઘમાં પણ લખતો હોય છે.

અભિમાનથી નથી કહેતો

અભિમાન માણસને હોઈ શકે નહીં

અભિમાન વંદાને કે કાબરને હોય

માણસને અભિમાન શેનું?

માણસ મૂરખ હોય કે દુર્ભાગી હોય -

પણ ના

માણસ દુર્ભાગી નથી

માણસ સદ્ભાગી છે.

માણસ મૂરખ હોઈ શકે.

હું હજી માણસ છું

કેમ કે દુઃખ સત્ય છે.

સુખ તો માયા છે

એનું દુઃખ તો પરમ ધન છે.

મારી વાત છે

બુદ્ધિશાળી માણસની વાત છે

માણસની વાત છે

મૂર્ખ રહેવા સર્જાયેલા માણસની વાત છે.

સ્રોત

  • પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : ચંદ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2005