sandhya - Free-verse | RekhtaGujarati

પર્ણરવ મહીં પડઘાતી સીમ સાંભળું.

ગોધૂલીની રજમાં

ઊડતા તારક કંઈ ધૂંધળા

રાત હજુ તો પાદર ઊભી

પીપળ છાંયે ઝાંઝર બાંધે.

ગોખમાં બેઠું મન મરકતું.

દીવાસળીની પેટીમાં પૂરેલું

અજવાળું હલબલતું.

ટહુકો કરી ઊડી ગયેલા મોરના

આંગણ ખરી પડેલા પિચ્છે

હું નભે ચીતરું ચાંદ.

સૂર્ય હવે તો મારી નજરમાં ખરતું પાંદ.

સ્રોત

  • પુસ્તક : કાનોમાતર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : પ્રાણજીવન મહેતા
  • પ્રકાશક : વસંતરાય જી. ચુડગર
  • વર્ષ : 1979