matalun - Free-verse | RekhtaGujarati

માટલું પડ્યું પડ્યું જોયા કરે છે

ઍક્વાગાર્ડ, કિચન, ફ્રીઝ,

પ્લેટફૉર્મ પરની પ્લાસ્ટિકની બૉટલ

અને થરમૉસ.

માટલું મીટ માંડીને જાણે બેઠું છે

માની જેમ.

*

બાપુજીની ચિતા પત્યે

પાણી ભરેલી માટલી ફોડી

પાછળ જોયા વગર ઘેર પાછો ફરેલો.

ફૂટેલી માટલીનું પાણી એમને પહોંચ્યું હશે કે કેમ?

ચિંતાએ

સ્મશાન કદી જતું નથી

મારામાંથી.

માના મર્યા પછી મહિને

પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી.

માટલીમાંથી કોણે પાણી પછી પીધું હશે?

ક્યા પંખીએ પીને ટહુકો કર્યો હશે? ક્યું ગીત ગાયું હશે?

જેટલી વાર માટલામાંથી પાણી પીઉં છું એટલી વાર

વાત યાદ આવે છે.

વર્ષો વીત્યાં

માની પાછળ મૂકેલી માટલીનું પાણી

જાણે ખાલી થયું નથી!

*

એક વાર

ટકોરા મારી ખાતરી કરી

બા માટલું લાવેલી,

પૂજા કરી પાણિયારે મૂકેલું

અને પહેલી વાર પાણી ભરેલું

ત્યારે આખેઆખો પહેલો વરસાદ પીધેલો.

હવે ટકોરો રહ્યો સ્વાદ રહ્યો

પણ ઝૂરાપામાં ઝમતી

રહી છે એક માટલી.

*

એક માટલું તૂટ્યું.

કોઈ ફૂટપાથ પરના ચૂલાની

કલાડી બનીને રાજ કરવા લાગ્યું.

કલાડી તૂટીને

છોકરાઓના રમતની વસ્તુ બની ગઈ;

પછી મેલ કાઢવાની ઠીકરી બની

ને છેવટે કોઈ બાળકના હાથે

દીવાલ પર લીટી બનીને અદૃશ્ય થતી ગઈ

અદ્દલ માની જેમ.

ફ્રીઝ ખોલી

પ્લાસ્ટિકની બૉટલથી સીધું પાણી પીતી

દીકરીને એવી રીતે જોઈ રહું

જેમ એક કાળે

માટલું મને જોઈ રહેતું હતું.

સ્રોત

  • પુસ્તક : કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 45)
  • પ્રકાશક : કુમાર ટ્રસ્ટ
  • વર્ષ : 2013