mara janm punarjanmonun sarariyal kawya - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારા જન્મ-પુનર્જન્મોનું સરરિયલ કાવ્ય

mara janm punarjanmonun sarariyal kawya

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
મારા જન્મ-પુનર્જન્મોનું સરરિયલ કાવ્ય
સિતાંશુ યશશ્ચંદ્ર

1

કોનો તરાપો તરે છે રક્તનાં વહેણોમાં?

કોણ જાય છે? ક્યાં?

ડબાક્ નાડીઓમાં ડબકોળાય છે ટોચ.

સાંભળું છું

હલેસાંનો અવાજ આવ્યા કરે છે સતત.

કયા રત્નભંડારના કોની પાસે છે નકશા?

લબકારો થઈ ઊછડી અચાનક

ભય થઈ ફેલાઈ રોમરોમ અફળાઈ

છિદ્રે છિદ્રે વાટે ઊતરી ગઈ શરીરમાં ઊંડે

જાળ,

ધીમે; અટકી; પડી; રહી.

ખેંચાશે ક્યારે ક.

જામેલા સરકારી પુલોના સિમેન્ટ તળેથી

રાતના સરકી ગયું. સમુદ્ર ભણીની તાણ ભેગું જ.

કોણ? કેટલે?

વહેણમાં ડૂબી, વહેણ ફાડી ઊંચે વધતું કાળું પાટિયું.

સફેદ આંકડા લખી રાખ્યા છે ઈન્ચે ઈન્ચે.

કોઈ ઘસે છે ઊછળતી સપાટી ભાંગીને કાઢેલાં

ઘેલાં ટેરવાં.

આંકડા પર ભેરવાય જો ડૂબતી કાય

ક્યાંય ક્યાંય.

ભૂંસાઈ જાય આંકડો છવ્વીસનો છેક.

ડૂબે પહેલા પચ્ચીસે ભેગો જળમાંહ્ય જળમાંહ્ય.

પુલ પર ઊભી પ્હોળી આંખો વડે તકાય.

ધબકતી નાડીએ નાડીએ ડબકોળતો

અધીરાં હલેસાંની એકસામટી ટોચ

કોણ?

ના રોકાય, ના રોકાય, ના રોકાય.

કોનો ભૂરો તરાપો તરે છે રાતાં વહેણોમાં

કોણ જાય છે? ક્યાં?

2

ખૂન! મેં

કર્યું છે. લાશ ગંદી ગટરોમાં વહી ગઈ છે, નહિ

મળે ક્યારેય કોઈને છરો કોઈ

ઝૂંટવી ગયું મારા હાથમાંથી હું હવે નિઃશસ્ત્ર છું.

અસહાય

સ્ત્રી સતત પ્રસૂવ્યા કરતી હતી સંતતિને.

પોષી શકતો હું, પ્રજા હજીયે જીવે છે.

ગટરોમાં વહી ગઈ, આથી. હવે વંધ્ય.

મેં મારી હત્યા કરી છે.

મારા હાથમાંથી હવે મેં છરો આંચકી લીધો છે.

મને સજા કરો તો મને બચાવો. હુંઓ!

3

ધીમે ધીમે લાંઆબિ ગુડ્ઝટ્રેનનો એક રાતો, તાળાં

લગાવેલી S.R. અહીંયાં ક્યાં, ચોકથી અને છપાવેલ

કાગળના લેબલોથી

તથા લાલ લાખની સીલથી ઉપરાંત કાર્ડ બોર્ડની તકતીઓથી લબડતો તથા લાંબો, મૂરખ આંકડા. પણ ભાઈ, બહુ કામના,

રેલવે તંત્રના, આંકડા લખેલો ગોળ, ઓછામાં ઓછી

સ્પ્રિંગ કમાનોવાળો, વિચિત્ર, બીજા કોઈ ડબ્બાના હોય

તેવા, ગોળ કાણાવાળા ગોળ સાદાં વિચિત્ર પૈડાં ઉપર

ગબડતો, બારીની ફાટો બાઘી તાકે છે જેની ક્યાંયે

નહીં ખાસ તો આમ, આમ ને તેમ, તેવો જાણે કે

એક ડબ્બો ગયો ને પછી બીજો, રાતો તાળાં

લગાવેલો, પણ અડધો ખુલ્લો, સીલ વગરનો, પણ

ઓછામાં ઓછી સ્પ્રિંગ કમાનોવાળો, સાદો, વિચિત્ર બીજો

ડબ્બો આવ્યો, હવે ત્રીજો કદાચ ખુલ્લો હશે સાવ,

લોખંડના ગર્ડરોવાળો, પણ સાદો, તે ગયો, આવ્યો તે

પંદરમો કે તેરમો? તેત્રીસમો? ના ના, સત્તરમો, કે

પહેલાવાળો તો ક્યાંથી હોય નવો હશે

સત્તાવીશમો.

લાંબી ગુડ્ઝટ્રેન ખખડે છે ખાંસી જેવી, મને ચેન નથી

ચેન ખેંચો, મરે, દંડ ભરી દઈશું. શું ચેન નથી

ગુડ્ઝટ્રેનને? મને ચેન નથી, કોને? શું? શું શું હેં?

4

ચાલીના છવ્વીસ દાદરા થઈ, ઊભી થઈ ગઈ છે અસ્વસ્થતા

મારા બરડામાં.

ચારે ખૂણે ચાર, માળ માળ વચ્ચે બે-બેમાં તૂટતા, ખૂટતા ના

ને વચ્ચેના બે, એમ જેમતેમ ગણતરી પૂરી

કરીએ, તો પાંચ માળના માળાના દાદરા છવ્વીસ થઈ

જાય છે કુલ ગણતાં, ને તે છવ્વીસે દાદરા થઈ

ખખડધજ મારા બરડામાં ઊભી થઈ ગઈ છે ઊંઘ,

ઊંઘ યાને અસ્વસ્થતા.

ઊંઘ આટઆટલી? આટઆટલે સ્થળે મારામાં ગોઠવાઈ

ગઈ? ઊંઘના દાદરા રાતી આંખો ફાડતું કોણ ઊતરે છે

ને પછી સડસડાટ ચડી જાય છે અગાશીમાં? ઊંઘના

દાદરા પર કોણ રાજકુમારી બની જાય છે માત્ર ભિખારણ?

મને જોડો કોનો જડે છે ઊંઘના દાદરા પરથી?

ચાલીના છવ્વીસ દાદરા પરના છવ્વીસ જોડા થઈ

પડી રહી છે અસ્વસ્થતા મારા બરડામાં.

હું કદાચ બાકીનાં વરસો તેર જોડી જોડા વેચીને

સુખે ગુજારી શકું.

ચાલીના છવ્વીસ દાદરા, મારા બરડામાં જોડા.

5

લાલ લોહીનાં વહેણોમાં વહાણો ડૂબી ગયાં.

શાંત કાળાશ જહાજોવાળી જન્મી છે.

બીડેલા ભંડકિયામાં જે, તે કોણ?

વમળોના બળવાન બાહુઓએ સુકાનો સંભાળી લીધાં.

નકશાઓ પર પથરાયો તળિયાના રત્નરાશિનો પ્રકાશ.

બપોરની વેધક નજરે ઉકેલાયેલી ગુપ્તરેખાઓ

ભેદી રસાયણોમાં હવે વિકાર થઈ શકતાં, ઊઘડી આવી.

ઊઘડેલા ભંડકિયામાંથી જે, તે કોણ?

ઊંડાણોમાં તરતી રેખાળવી કજાત હથેળીઓ

રેખાંકનોને સભય ભીડી કે મુઠ્ઠીમાં.

શાંત કાળાશો જહાજોવાળી જન્મી છે.

લાલ લોહીનાં વહેણોમાં વહાણો ડૂબી ગયાં.

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યુસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : સિતાંશુ યશશ્ચંદ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : 2