
કેટલા વખતથી મળતી નહોતી એ.
આમતેમ શોધી,
રસોડાના બધાં ખાનાં ઉથલાવ્યાં વારાફરતી.
પાછી એક નહીં, બે બે હતી- સ્ટીલની.
બાઈ લઈ ગઈ હશે ?-
ના ના, લીધી હોય તોય ક્યાં ખોટ છે?
બીજી જે પડી છે તે ઉપયોગમાં લેવાય કે નહીં? –
એમ મનને ટપાર્યું.
બીજી વાપરી પણ ખરી.
પણ મનના એક ખૂણે બંને બેસી ગયેલી
ને છછૂંદર થોડી થોડીવારે
નાનકડું મોં દેખાડી દેખાડી પાછું છુપાઈ જાય-
તેમ તે બંને કરતી મારા મગજમાં.
‘ગઈ એ તો, ભૂલી જા’ – કહેતી મારા મનને
જ્યારે યાદ આવે ત્યારે.
એકવાર
તેને કાયમ જે ડ્રોઅરમાં મુકતી હતી
તે ડ્રોઅર સીધું અંદર જતું નહોતું,
બરાબર વસાતું નહોતું
એટલે અંદરના વાસણો જરા આમતેમ ખસેડતી હતી
ત્યારે જૂનાં વઘારિયાં નીચે ઢંકાયેલી તે બંને દેખાઈ.
‘લો ત્યારે, આ તો અહીં જ ને ગામ શોધી વળી’-
મનમાં બબડી.
એ જોતાં હરખ થયો
પણ કોઈને બતાવ્યો નહીં.
થોડીક નિરાંત જીવે હસતાં મોઢે બહાર નીકળી-
‘રોજ આવું ખોવાયેલું જો જડી જાય તો કેવું!’



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ