મને વાર્તા કર
mane varta kar
વિપિન પરીખ
Vipin Parikh
વિપિન પરીખ
Vipin Parikh
આવ, મુન્ના આવ!
ચાલ આપણે સંતાકૂકડી રમીએ.
હું આંખ બંધ કરું, તું સંતાઈ જા.
જો, હું તને શોધી કાઢું છું કે નહીં?
આવ,
ધીમે ધીમે બોલવાનું ને આછું આછું હસવાનું
એ સભ્યતાને લાત માર.
આવ, જોરજોરથી આપણે ગીત ગાઈએ.
આકાશને અવાજથી ભરી દઈએ.
આવ, મારી પાસે આવ.
તારી આંખ મને આપ.
આ શહેરને જોું, માણસને જોઉં-
માણસ અને કૂતરો,
ચકલી અને કાબર
પથ્થર અને ધૂળ ... ફૂલ.
આવ, મુન્ના આવ,
તું મને એક વાર્તા કર.
એક એવા શહેરની
જ્યાં ડાહ્યા માણસો વસતા નથી
અને જ્યાં
સાત સમુદ્રની પાર એક ફૂલપરી વસે છે
ને શીશીમાંથી પુરાઈ ગયેલો જીવ હીહી કરતો
બહાર આવે છે
આવ, મને એક વાર્તા કર
આ શહેરમાં મારે એક મિત્ર જોઈએ છે.
સ્રોત
- પુસ્તક : કવિતા - ઑગસ્ટ, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 45)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
