prdakshina - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રદક્ષિણા

prdakshina

મનીષા જોષી મનીષા જોષી
પ્રદક્ષિણા
મનીષા જોષી

જ્યારે જ્યારે મંદિરમાં જઉં છું ત્યારે

કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,

મને લાગે છે કે બધા દેવોનાં

બધાં વાહનો મને મારવા આવી રહ્યાં છે,

વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું.....

પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.

પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.

હૂં મૂંગી, અવાક્‌ થઈ જઉં છું,

મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો

જાણેકે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા

ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા

લાગે છે.

હું જીવ બચાવતી દોડું છું.

મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું.

મંદિરના લીસા આરસપ્હાણમાં મને ઠેસ વાગે છે,

હું પડી જઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.

અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જઉં છું

હું પણ એક પથ્થર બની જઉં છું, નવા જન્મમાં.

મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.

હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,

ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,

પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,

હું મંદિરની બહાર નથી નીકળી શકતી.

સ્રોત

  • પુસ્તક : કંદરા (પૃષ્ઠ ક્રમાંક 19)
  • સર્જક : મનીષા જોષી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1996