mandir prawesh na karo dosto– - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મંદિર પ્રવેશ ન કરો દોસ્તો–

mandir prawesh na karo dosto–

પ્રવીણ ગઢવી પ્રવીણ ગઢવી
મંદિર પ્રવેશ ન કરો દોસ્તો–
પ્રવીણ ગઢવી

મંદિર પ્રવેશ કરો, દોસ્તો

થંભી જાઓ, મંદિરનાં પગથિયાં ઉપર પડ્યો છે

આપણા પુત્રનો લોહી નીંગળતો દેહ.

બાજુમાં પડી છે આપણી પુત્રી–નિર્વસ્ત્રા–અર્ધમૃત-

છિન્નવિચ્છિન્ન છે એનું રૂપ.

મંદિરના વિશાળ ગુંબજોમાં ગંધાય છે

આપણાં લીલાં-લીલાં બાળેલાં ધાનની વાસ

સિંધુના જળ પાસેથી આપણા મહાન પૂર્વજોએ પ્રાપ્ત કર્યા હતા તે શબ્દ

આપણાં છીનવેલા શબ્દનાં

કસાઈઓએ ઘડ્યાં છે મંત્રતંત્રનાં માદળિયાં.

શબ્દને હોમે છે લોકો જ્વાળાઓમાં

જેણે આપણાં લીલાંકુંજાર વનો

બાળીને ભસ્મ કર્યા હતાં

સૂર્યવંશીઓનાં પાષાણ-શિલ્પો

મરક મરક હસે છે આજ.

વનમાં વિહરતા મોરનાં ખેંચી કાઢેલાં મોરપિચ્છથી

તેઓ પવન ઢોળે છે,

જલ્લાદોનાં શ્રમિત અંગોને.

સુવર્ણનાં પતરાંથી મઢી લીધાં છે,

દીવાલો પર પડેલા હત્યાઓના ડાઘ.

સુવર્ણકળશોથી

ગગનચુંબી કર્યાં છે એમણે શિખરો.

આપણા પિતૃઓના દેહ

શિલાઓના અસહ્ય બારથી દટાયા છે, કણસી રહ્યા છે.

પ્રવેશ કરો દોસ્તો,

થંભી જાઓ,

કસાઈખાનામાં એક ડગ પણ માંડશો, દોસ્તો.