mahabhinishkrman - Free-verse | RekhtaGujarati

મહાભિનિષ્ક્રમણ

mahabhinishkrman

રમેશ આચાર્ય રમેશ આચાર્ય
મહાભિનિષ્ક્રમણ
રમેશ આચાર્ય

ફિલ્મો હું જોતો નથી.

એમ નથી,

પણ એમાં આવતી ઘટના

વહેલી કે મોડી

મારા જીવનમાં

બની ગઈ હોય છે!

મિત્ર પીઠ પાછળ

ખંજર હુલાવે

એમાં કશું નવું નથી

ગરીબીને કારણે

પ્રિયાએ સ્વીકાર કર્યો હોય

એવી 'હીરો' એકલો નથી હોતો

શક્ય છે કે તેણે

પૈસાના અભાવે

અભ્યાસ અધૂરો છોડ્યો હોય,

મજૂરી કરી હોય

અને માની સેવા પણ કરી હોય.

શું બુદ્ધે એકલાએ

મહાભિનિષ્ક્રમણ કર્યું છે?

પત્ની અને બાળકને છોડી,

મેં પણ કેટલીય વાર

મહાભિનિષ્ક્રમણ કર્યું છે.

ફેર માત્ર એટલો કે

બુદ્ધ ખરેખર નીકળી શક્યા

જ્યારે હું -

ફળિયા સુધી પહોંચી

પેશાબ કરી

પાછો સૂઈ ગયો છું.

સ્રોત

  • પુસ્તક : મેં ઇચ્છાઓ સુકાવા મૂકી છે (પૃષ્ઠ ક્રમાંક 24)
  • સર્જક : રમેશ આચાર્ય
  • પ્રકાશક : કૃતિ પ્રકાશન
  • વર્ષ : 2008