wishwamitrina magar - Free-verse | RekhtaGujarati

વિશ્વામિત્રીના મગર

wishwamitrina magar

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
વિશ્વામિત્રીના મગર
સિતાંશુ યશશ્ચંદ્ર

મગરોને મરવા દેતી, નદી.

તારાં પાણીને જીવતાં રાખવાનો કદાચ હવે બીજો કોઈ ઉપાય

બાકી રહ્યો નથી.

મદમાતી માદા મગરીના કાનમાં કહેજે

કે ઈંડાં બને તેટલાં વધારે મૂકે, ફળેલાં,

ભલે તારા તટો પરનો કાદવ ઝેરીલો જણાય.

જોરીલા નર મગરોને નજર નોંધીને કહેજે, નદી,

કે આંખો કોરી અને કાતિલ રાખે.

માર ખાઈ ખાઈને હવે રોવાનું ભૂલી ગયા છે મગરો

ઠીક થયું છે.

એમનાં આંસુ તો પહોંચી ગયાં છે તારે કાંઠે કમઠાણ મચાવતા

કેટલાકોની આંખોમાં.

તારા મગરોને કોરી આંખે જીવતા રાખજે, વિશ્વામિત્રી.

અને એમને કહી રાખજે,

મરણાસન્ન નદી,

કે યમનો પાડો આવે, તને લઈ જવાને ઇરાદે,

ત્યારે તરત

તારા તટમાં એણે મૂકેલા આગલા બન્ને પગથી એને પકડી લે,

પોતાની બળકટ મોંફાડ ઝડપભેર ઉંઘાડી, દાંત ઊંડા ખૂંપાવી,

ત્યાં રોકી રાખે

અસંયમી બનેલા યમના આજના અવિચારી પાડાને.

રોકી પાડજે એને તારા તટે કે હાણ પહોંચે તારી સખીઓને,

પેલી જાંબુવાને, પેલી ઢાઢરને ને ઉપરવાસે

પાવાગઢે રૂમઝૂમતી ઝરણીઓને.

જાણું છું કે

તું કાંઈ ગંગા, બ્રહ્મપુત્રા કે નર્મદા નથી.

નાનકડી મારી નદી,

જાણું છું કે આજે તારું મગજ ફરી ગયું છે, ધોધમાર

વરસાદમાં ને ઘૂસી ગયાં છે કલાલીથી કલ્યાણનગર, સિદ્ધાર્થ

બંગલાથી સેન્ટ્રલ જેલ, કોઠી કચેરીથી પ્રાણીબાગનાં પાંજરા

સુધી બધે તારાં પાગલ પાણી.

તો ભલે.

ડાહીડમરી થતી.

મરે તો પાગલ થઈને મરજે.

ડાહ્યાડમરાઓનો હવે ભરોસો નથી રહ્યો કોઈને,

કેમ કે ડહાપણ પોતે એક કાચિંડો બનીને ફર્યા કરે છે,

ઉધાર પાણીએ ઊછરેલી અમારી અલગ અલગ રંગની વાડો ઉપર.

પાગલ થઈને જીવતી રહેજે - હવે એક રીત રહી છે.

જીવવાની.

પાગલ થઈને પ્રેમ કરતી રહેજે - હવે એક રીત બચી છે,

પ્રેમ કરવાની.

તારે બેય કાંઠે બાકીનું બધું જે પ્રેમ વિનાનું પાગલ થઈ ગયું છે.

વિશ્વામિત્રી.

થોડાક પ્રેમઅંશ પાગલોના થોડાક પાગલ પ્રેમ સિવાય.

એટલે એયે જોજે, નદી,

કે તારા પૂરમાં તણાઈને વડોદરા શહેરની શેરીઓમાં ભૂલાં

પડ્યાં છે જે તારાં મગરોનાં બચ્ચાં, અબુધ,

એમને પોતાના કુમળા-કઠણ હાથોમાં ઝાલી

પાછાં તારા વહેણમાં મૂકવા આવનારા પણ

વડોદરાના વાસીઓ છે, વિશ્વામિત્રી,

ત્રણેને તું ઓળખજે, નદી-

'વડ’પણવાળા થોડાક વડોદરિયાઓને,

જે તારા મારકણા મગરો અને મથોડાં ઊંચાં પૂર સાથેની તું જે છે

એવી તને ચાહે છે.

અને ઓળખજે તારાં પાણીને પરાણે ઝેર પિવડાવનારાઓને,

જેમણે પીણાં બનાવવાના પરવાના કઢાવ્યા છે, કોઠી કચેરી

અને ખંડેરાવ માર્કેટમાંથી.

અને જોજે ઓળખવાનું રખે ચૂકતી અમને,

તારા પુલ પર ઊભા રહીં, મગરોને, મેલાંને અને મરતાંને,

ત્રણેને ટગર ટગર જોતા તમાશબીનોને.

કાળીમેશ બેદરકારીથી મેલુંમટ અને લાલઘૂમ લાલચોથી

લોહીરંગ બનેલું શહેર તને અધમૂવી તો કરી ચૂક્યું છે.

પણ બળાત્કાર પછી હત્યા કરવાની જેમને ટેવ પડી છે એવા સહુ

તને જીવતી નહીં છોડે, નદી.

ઓળખજે અમને સહુને,

કોઈ તને મારવા ચહે તોયે મરતી નહીં તું.

ને મરવા દેતી તારા મગરોને.

પોતાનાં ઈંડાં ખાવા આવનારાં જનાવરોને ફાડી ખાવાં

ધારદાર દાંતોની હારભર્યાં જે જડબાં ઉઘાડીને તારી માદા મગરો તારા

કાંઠાઓ તરફ ધસારા કરે,

જડબાંને કોમળતાથી ઉઘાડી પોતાનાં નવજાત

બચ્ચાંઓને એમાં ઊંચકી,

તારે ખોળે રમતાં મૂકવા પાછી ફરે છે.

હું યે જે કલમે પીડાના પ્રકોપભર્યા શબ્દો લખું,

કલમે વિનવણીનું કાવ્ય લખી તારી પાસે આવ્યો છું.

આજે.

ઢાંકણ વગરની લેખણ લઈને તારે કાંઠે રહેતો એક કવિ

તને કહે છેઃ

નદી રૂપે વહેવાની તારી વાજબી શરતે જીવતી રહેવા માટે,

વિશ્વામિત્રી, તારા મગરોને મરવા દેતી.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઓક્ટોબર, 2019 (પૃષ્ઠ ક્રમાંક 84)
  • વર્ષ : 2019