kumar gandharw pase ek mungamantar samay wati magni - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કુમાર ગંધર્વ પાસે એક મૂંગામંતર સમય વતી માગણી

kumar gandharw pase ek mungamantar samay wati magni

સિતાંશુ યશશ્ચંદ્ર સિતાંશુ યશશ્ચંદ્ર
કુમાર ગંધર્વ પાસે એક મૂંગામંતર સમય વતી માગણી
સિતાંશુ યશશ્ચંદ્ર

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળા, મૂંગામંતર થયેલા મારા સમયને

ફરીથી ગાતાં શીખવો, કુમાર ગંધર્વ.

ગઈ કાલે જેમણે તમને જણાવેલું, આજ એમણે અમનેયે કહી દીધું છે સાફસાફ

કે જો છોડી નહીં મોકળે ગળે ગાવાની લગન

તો ઝાઝું જીવી નહીં શકો હવે દુનિયામાં.

હેબતાઈ ગયેલો, કંઈક અવશ કંઈક આપમેળેએ ચુપ થયેલો

એવો સમયે પણ

કશુંક તો કહેવા માગે છે,

તમે તો જરૂર સમજી શકો વાતને, કોમકલી.

*

અમારેયે ફરીથી ગાવું છે,

તમે ગાઈ બતાવ્યું’તું એમ, ફરીથી.

ભલેને અમે લાયક હોઈએ પંડિત ભીમસેન જોશીની પ્રલંબ સુરાવટને,

નાનાં નાનાં પગલાં ભરી અમે પાર કરીશું લાંબા અંતર,

તમે પાર કરી બતાડ્યાં’તાં, એમ.

રાજનગરમાં ભલેને વસી શકીએ અમે, તોયે શોધી લઈશું અમે ગમે તેમ

પોતપોતાનું દેવાસ.

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળા, મૂંગામંતર થયેલા મારા સમયને

ફરીથી ગાતાં શીખવો, કુમાર ગંધર્વ.

*

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળા, મૂંગામંતર થયેલા મારા સમયને

પોતાના દેવાસમાં રહેતાં શીખવો, રાજનગરોથી દૂર.

થાય છે શું દેવાસમાં, કોમકલી; કઈ રીતે મરી જાય છે કુમાર, ને તોયે

કેમ કરીને જીવિત રહે છે ગંધર્વ;

તમે પોતે રચેલા રાગોમાં ગાઈને અમને બધું બતાડો.

કહો, કેમ તમારે ખપ નથી આવતું એકે ઘરાણું, કેમ બનાવી લીધું તમે

તમારું પોતાનું ઘર દરેક ઘરાણામાં,

ગાઈને સંભળાવો વાત, સંગીત સમારોહમાં નહીં,

પોતાના નિષ્ઠુર એકાંતમાં; જ્યાં જઈ આજ સાંભળીએ છીએ તમને અમે,

આજે બધી જગ્યાએ દેવાસ.

તો દરેક અદના આદમીની અમરતાનું ગુપ્ત રહસ્ય

આજે ફરી ગાઈને બતાવો અમને,

નવા મેળવેલા કંઠથી, શિવપુત્ર.

*

સાંભળ્યું છે કે તમે બીમાર હતા ત્યારે

ગાઈ શકતા નહોતા.

તમે બિછાનામાં પડ્યા પડ્યા સાંભળ્યે જતા’તા પંખીઓને,

પવનને, વૃક્ષોને અને દેવાસના સદય સૂકાપણાને.

અમનેયે શીખવોને કે રીતે કેમ કરીને સાંભળવું.

અમને જાણ છે કે સમૂહ સંચારના સમયમાં મનચાહ્યું સાંભળવું મુશ્કેલ છે.

પંખીઓનો કલરવ ખોઈ બેઠી છે અમારી હવા,

પોતાની ચારે તરફ ધૂણતી ઘૂમે છે અમારી હવા,

પોતાના જયઘોષની ગર્જના કરતી

ચક્રવાત બની વેલ-છોડ-વૃક્ષોને ઉખેડતી જાય છે.

દરેક દેવાસને ફાટ્યાં-વાદળાંના ધોધમાર વરસાદમાં લપેટી લે છે, હવે પ્રમત્ત હવા.

સુલતાનના રાજગજ જેવી, કબીરની તરફ આગળ વધતી ચાલી છે.

હેબતાઈ ગયાં છીએ અમે,

એક મૂંગોમંતર સમય શરૂ થઈ ગયો છે સારી સૃષ્ટિમાં.

‘कौन ठगवा नगरिया लूटल हो’, સવાલ પૂછો, ચીંથરું થઈ ગયેલાં ફેફસાંઓનો,

ફુત્કાર ભર્યા આરોહી સૂરમાં, કોમકલી કુમાર.

*

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળા મૂંગામંતર થયેલા મારા સમયે

બીજુંયે કશુંક શીખવાનું છે, તમારી પાસેથી.

શીખવાનું છે તમારી પાસેથે ધૈર્ય, શિવપુત્ર,

વરસોનું તમારું દેવાસી ધૈર્ય.

ગણતાં શીખવો અમને માનવ સ્વરના વિવિધ લયો, જેમ

શીખવ્યું હશે પંડિત દેવધરે તમને.

કહો અમને વરસના કેટલા હોય મહિના, ત્યારે? ત્યારે

એક મહિનાના કેટલા હોય દિવસ, દેવાસમાં? એક

દિવસના કેટલા કલાક, દર કલાકની કેટલી પળો? કઈ

રીતે વીતાવવી એક પળ,

હાલાહલ અને અમરત બન્નેમાં એકસાથે ઘોળેલી પળ?

ક્યારે આવી પહોંચી ધૈર્યપટના વણાટમાં એક કુમાર ગંધર્વના મૃત્યુની પળ? ક્યારે આવી, વાર લગાડીને, બીજા કુમાર ગંધર્વના જન્મની પળ? કઈ રીતે કરવામાં આવે છે પટની કબીરી બુનાઈ?

ભણાવો મારા અધીર સમયને તમારા વરસોનું ધૈર્ય.

*

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળા મારા સમયને ક્ષયથી અક્ષય સુધી જવાનો માર્ગ બતાવો, ચિર કુમાર.

દુકાળની ચપેટમાં આવી ગયો છે આજનો તરસ્યો તરસ્યો હ્રાસોન્મુખ સમય,

અને ભોગોન્મુખ ભાગદોડનું દ્રુત નૃત્ય બહુતાલ છે.

સંભળાવો એમાં તમારા જળભર્યા કંઠે

વિલંબિત એક તાલમાં તમે જાતે બનાવેલો રાગ ગાંધી મલ્હાર,

*

તમારા પોતાના રાગ ગાંધી મલ્હારમાં, વિલંબિત એક તાલમાં, કરુણાથી,

સહુને સંભળાવો, ‘तुम हो धीर’.

અમારા ઘરના ઘરમાં આવી, ગાઈને અમને સંભળાવો, ઘરાણાઓથી દૂર, ‘तुम हो धीर . . .’

કબીરની જલભરી બાની સંભળાવો અમને રાગ ગાંધી મલ્હારમાં, વિલંબિત એક તાલમાં, ‘धीर’.

અવિલંબિત સબ કુછ કબજે કરવાનું શિખવાડાય છે અમારા સમયને આજે.

અનેક ઘરાણાં મચી પડ્યાં છે બહુતાલ ચહુદિશ પોતપોતાના રાગનું સમૂહગાન અમારી પાસે કરાવવામાં.

એવા મૂંગા સમયને મંદ મંદ સ્વરે કુછ ગુનગુનાના સિખાઓ, સિર્ફ, પોતપોતાના દેવાસમાં.

*

રાજરોગમાં સપડાયેલાં ફેફસાંવાળો મારો સમય પણ ચાહે છે

ભલેને નાના નાના પગલે ચાલીને તોયે એક લાંબે લાંબે રસ્તે ચાલવું, પોતાની

ખુદની તાકાતથી;

ને પોતાની તરાહે,

એણે પોતાનો ખુદનો રાગ ફરી ગાવો છે.

કઈ છે સાધના, કયો છે રિયાઝ, ઔષધ કયું, કયો ઉપચાર,

કહો, કોમકલી કુમાર, અમર ગંધર્વ.

* * *

(સમા, વડોદરા,)

11 એપ્રિલ, 2023.

રસપ્રદ તથ્યો

કુમાર ગંધર્વ. (1924 – 1992), કર્ણાટક.) મૂળ નામ : શિવપુત્ર સિધ્ધરામૈયા કોમકલીમઠ. ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન ગાયક. શૈશવથી અદ્ભુત સંગીત-કૌશલ, ઊગતી યુવાનીમાં તો ભારતીય શાસ્ત્રીય સંગીતના વિખ્યાત કલાકાર રૂપે વ્યાપક સ્વીકૃતિ. પણ એ જ વરસોમાં ટીબી. (‘રાજરોગ’)થી ગ્રસ્ત. ફેફસાંનો રોગ. ડૉક્ટરોએ કહી દીધું કે એ હવે ગાઈ નહીં શકે. મધ્યપ્રદેશના દેવાસ ગામમાં, ત્યાંની સૂકી હવાથી ફાયદો થશે, એ ખ્યાલે નિવાસ. ત્યાં છ વર્ષોના લાંબા, આકરા, મૂક સંઘર્ષ પછી સ્વાસ્થ્યપ્રાપ્તિ અને ફરી 1953માં કુમાર ગંધર્વનો, એમની પોતીકી, નવી ગાન-તરાહનો, અજોડ, જાહેર કાર્યક્રમ. ‘રાગ ગાંધી મલ્હાર’ એ તો કુમાર ગંધર્વે રચેલો નવો રાગ.

સ્રોત

  • પુસ્તક : એતદ્ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : કમલ વોરા, નૌશિલ મહેતા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેંદ્ર
  • વર્ષ : 2003