જગન્નાથ ચક્રવર્તી
Jagannath Chakravarty
સ્વર્ગ જો ક્યાંય પણ હોય – આકાશમાં, ધરતી પર કે ધરતી નીચે
ના, સ્વર્ગ ક્યાંય નથી, પણ અહીં કલકત્તામાં છે
અંકુરિતા નારી, ક્યાં લતાયિત થશે તે કોઈ જાણતું નથી
અને અનાવૃત્ત પુરુષ, સાહસી હન્તા;
છે નયનાભિરામ ન્યુ માર્કેટ અને સંધ્યાશોભી દુકાનોની હાર,
અને સોનેરી મધમાખીઓ અને તેમનું મધુસ્રાવી ગુંજરણ, અને
ગલી ગલીમાં ફલિત જ્યોતિષ, અને છે ટેબલ પર પાસે પાસે તૃષ્ણા –
કલકત્તા.
અહીં વસંતનું બીજું નામ છે મ્યુઝિક કોન્ફરન્સ,
શરત્ – મંડપમાં માઈકનો પ્રતિઘોષ
વર્ષા – બસસ્ટેન્ડની શેડમાં કે છત્રીના અલ્પ વિસ્તારમાં
પ્રથમ આશ્લિષ્ટસાનૂ પ્રેમ, અને
હેમંત – ઍપલ, નારંગી અને દ્રાક્ષ.
ના, સ્વર્ગ ક્યાંય નથી, પરંતુ અહીં છે
લોહીમાં તમરાંનો સ્વર, સ્વપ્નમાં ડાયલ ટોન, અને અરિસામાં છે પ્રતિબિંબિત
જેને ચાહ્યા વિના જીવી શકાતું નથી તે હું–હું–હું.
છે કોકરવરણી નિરવધિ નદી અને ઉષ્ણ નારી દૂરતિક્રમ્યા,
છે સદ્યયુવકોને માટે પાર્ક અને રેસ્તોરાં, સદ્યયુવતીને માટે યુવક,
અને બન્નેને માટે તૈયાર છે શબ્દના મધપૂડાં જેવું ભારતપ્રસિદ્ધ કૉફીહાઉસ
ના, સ્વર્ગ ક્યાંય નથી, પરંતુ અહીં છે ભાદરવાની ગંગા,
સૂંવાળી પેપરબૅકની જેમ જાળમાં છે રૂપેરી ચકચકતી ઈલિશ, અને
પાણીમાં જાણે રૂઈમાછલીનું ટોળું – અસંખ્ય નૌકા, હોડીઓ, લૉન્ચ
સમુદ્રભણી જતું ગર્વિષ્ઠ જહાજ અને
એકાએક અશ્લીલ, તીવ્ર માદક, ઉપસાગરનું ડુંડું
કલકત્તા.
અહીં શું છે અને શું નથી?
બાળકે માટે પ્લેનેટોરિયમ, પ્રૌઢો માટે સિનેમા,
અને પલિત વૃદ્ધો માટે ભાગવત,
મિત્ર માટે મિત્રતા, તરસ્યા માટે પેય, આગંતુકને માટે રેશન કાર્ડ.
તમે વિદેશી છો? તમે અહીં સુખથી રહી શકશો.
તમે વિદેશિની છો? તમે પણ.
દરેક આંખને માટે કાજલ, દરેક પાઈપને માટે ટોબેકો —
એનું જ નામ કલકત્તા.
અહીં શું નથી?
નાયકને માટે નાયિકા અને નાયિકાને માટે ઇન્દ્રપુરી,
વાંચવા માટે છે આધુનિક કવિતા, હળવા સ્વર માટે છે ગિટાર.
ચિત્રો માટે છે પ્રદર્શન અને ત્યાર પછી તેની સહૃદય આલોચના
અહીં ઇચ્છાનો અંત નથી અને ઈપ્સિત પણ અનંત છે,
બહુનિંદિત, અનિન્દ્ય, આ શો–કેસ–સુંદરી શહેરનું નામ
કલકત્તા.
આ શહેર દિવસરાત બધાંને ખેંચે છે
લાભ બતાવીને, લોભ બતાવીને, છૂપી ઇચ્છાના શરીરે હાથ પસવારીને
બેન્કના કાઉન્ટર પર નોટોનું બંડલ શિકારી પિસ્તોલથી ઊંચકી લેવાને
લીલામ ઘરમાં હથોડી ઠોકીને, માર્ગમાં નિયોન લાઇટ
આંખોને આકર્ષીને સતત ખેંચે છે.
શેરીમાં, હાટમાં, ધનુષ જેેવો વાંકો ઓવરબ્રીજ
ફ્રોક પહેરેલી છોકરીને ખેંચે છે;
અને મત્ત લારીનું પૈડું અમનસ્ક મુસાફરને (ખેંચે છે) અને મૃત્યુ જીવનને,
તડકો છાંયડાને ખેંચે છે, અને ટ્રામ ઑફિસ જનારીને,
અને કોલ્ડ ડ્રીન્ક તૃષ્ણાને ખેચે છે.
અહીં લેકનું પાણી શાંત અને ગંભીર છે.
ત્યાં તરે છે સફેદ હોડી, એક નાનકડી જુલિયેટનું હૈયું
જાણે બોલી ઊઠશે – 'આવ રાત્રિ, આવ રોમિયો, આવ તું રાત્રિના સૂર્ય!'
ઘાસમાં, પાંદડાઓમાં, ટેલિફોનના તારમાં નારંગી રંગના બધા આગિયા,
જમીન પર સ્ટ્રો પડેલા છે, પાસે બદામનાં ફોતરાં અને આઇસક્રિમની પ્યાલીઓ
અને સુંદર મદીલ હવા,
જો લેક પર આવ્યા ના હો તો, તમે હજુ પણ જાણે જન્મ્યા જ નથી.
સ્વર્ગ ક્યાંય નથી, પણ અહીં
મેદાનમાં કોઈએ ક્યારે ખડી કરી છે સ્વર્ગની નિસરણી–મોન્યુમેન્ટ,
જેના ચરણમાં મિટિંગ ભરાય છે, શરીર પર ભારે પગથિયાં છે, અને
માથા પર છે છ ઋતુ
અહીં આખા દેશનો ધિક્કાર, રાગ, આહ્લાદ, આખા સંસારની
ઉત્તેજના મંચ પર ઊઠે છે.
અને માણસોના સમુદ્રની વચ્ચે આ ગગનસ્પર્શી સીડી જ્યારે
લાઇટહાઉસ બને છે.
ત્યારે ઇતિહાસ તૈયાર થાય છે.
સ્વર્ગ જો ક્યાંય–ના ક્યાંય નથી,
પણ આ પૃથ્વીની ભૂગોળમાં અંતહીન આકાંક્ષાના અક્ષાંશ પર છે -
ગંગાના જેવી પુણ્યવન્ત, મોન્યુમેન્ટ જેવી ઐતિહાસિક, દક્ષિણ સરોવર
જેવી સાહસિકા
કલકત્તા કલકત્તા કલકત્તા.
(અનુ. અનિલા દલાલ)
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 6)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
