કીકીઓ, પરી ને રાત
Kikio, Pari Ne Raat
હસમુખ પટેલ 'શૂન્યમ્'
Hasmukh Patel 'Shunyam'

મારી કીકીઓની પાછળના
સરુના વનના પોલાણમાં
ઇન્દ્રે મરી ગયેલી પરીઓનું
સ્મશાન બનાવ્યું છે.
વાસી થયેલો સૂરજ દરરોજ ત્યાં
આરામ લેવા આવે છે.
પરીઓનાં મુડદાંની રાખ
વાંસ પોતામાં સંઘરી
કીડીઓને ઘર બનાવી આપે છે.
વાંસમાંથી પસાર થતો રસ
એમને જરાય ઈજા કરતો નથી.
કો’કવાર કીડીઓનાં બચ્ચાંને
રમાડે છે.
સાથમાં બેઠેલાં વીંછણોનાં ટોળાં
જ્યારે
મુડદાં પર હલ્લો કરે છે
ત્યારે
બાયલો સૂરજ
ત્યાંથી દોટ મૂકે છે.
પણ
રાત એને પકડી
પોતાના મહેલમાં પૂરી
ચંદ્રનો પહેરો મૂકી
ચાલી જાય છે –
એ પરીઓના દેહમાં મરી,
ગંધાઈ ગયેલાં જીવડાંને
વીણી ખાવા.
એના નખ
કીડીઓને શેકી ખાવા તત્પર
સૂર્ય જેવા ભયંકર છે.
એના દાંત સફરજનને
વહેરતા
ગાંડાના હાસ્ય જેવા છે.
ખાઈને ધરાઈ ગયેલી
એ ખવાસણ
પછી તો સૂર્ય-ચંદ્રની બાથમાં
ચોળાયા કરે છે.
ને
એનો પરિવાર વધતો જાય છે.



સ્રોત
- પુસ્તક : મૌન અને શબ્દ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સર્જક : હસમુખ પટેલ ‘શૂન્યમ્’
- પ્રકાશક : હસમુખ પટેલ ‘શૂન્યમ્’
- વર્ષ : 1968