nimantran - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિમંત્રણ

nimantran

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
નિમંત્રણ
દિલીપ ઝવેરી

રે આવ કો’ક દિન પથ પે.

ભર્યું ભર્યું

મધ્યાહ્નનું ગગન શ્રાવણનાં ઘનોથી

આછું હસે રતૂમડી પથ મૃત્તિકા ને

વેરાયલા ધવલ કંકર. આજુબાજુ

ઊગેલ ઘાસ-મહિં ફૂલ ઝૂકંત ઝીણાં.

ખાબોચિયું વચમહીં જયહિં કો’ક કાબર

બેઠી, ડબોળતી જરાક ચાંચ, ચોગમ

જોતી રહે. મરમરે હળવેક લીમડો.

જંપી બખોલ મહિં કો’ ખિસકોલી-કેરી

સ્પર્શે જરાક પૂંછડી ઋતુ સૂર્ય આભથી,

સંતાઈ જાય પલમાં, ફરી રમ્ય શાંતિ.

સૂતી બપોર મહિં સ્વપ્નિલ ગીત કેરા

છંદે હવા સભર. પંકમહીં સૂતેલી

ભેંસો સમાં ઘર બધાં. બસ ક્યાંક ક્યાંક

બોલી રહેત ચકલી.

બસ એટલામાં

ટ્હૌકી ઊઠે તું ક્યહિંથી પથ પે અચાનક.

ખાબોચિયે પગ પલાળતી, ઘાસકેરાં

ફૂલોમહીં લહરની જ્યમ ખેલતી જતી,

ઊડાડતી અલસ કાબરને, કૂદીને

આંબી રહે પરણ નીમતણાં

અને દગો

મારાં તને ગગન શ્રાવણ ઝર્મરો થઈ

ઘેરી વળે...

ઝરમરે અહિં આભ આખું

ભીનો પડ્યો પથ

અને ઉર

ને દગો યે

સ્રોત

  • પુસ્તક : પાંડુ કાવ્યો અને ઇતર (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1989