wali watanman - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વળી વતનમાં

wali watanman

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
વળી વતનમાં
મણિલાલ હ. પટેલ

પાછો આવી ગયો છું.

મારાં સીમવગડામાં

બહુ ઊંડા ચાસ પડી ગયા છે મારામાં, તે

ખેતરો પૂછે કે કોતરો ક્યાંથી લાવ્યો? હેં?

ભલા માણસ!

બહુ દૂર નીકળી ગયો હતો?

ઉષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!!

પછી તો કૂવાનાં પાણી કબૂતર થૈને બોલ્યાં

કૂંપળમાં વૃક્ષોએ કાળજાં ખોલ્યાં

જતી વળતી કેડીઓની

કરકરિયાળી ધૂળ વ્હાલથી વળગી પડી...

મા-ની ગેરહાજરીમાં

શેઢાઓએ મને ખોળામાં બેસાડ્યો

તડકો તેતર થૈને રમવા આવ્યો

સસલાં ચાંદની લઈ આવ્યાં...

ષોડષીના ગવન શો પવન ફરફર્યો

માથાબોળ નાહેલી સાંજનાં

સૂનાં અંધારાં મને ઘેરી વળ્યાં

તરસ્યાં ખેતરો તડપી ઊઠ્યાં રોમેરોમ...

ખેડેલાં ખેતરોમાં તરફેણો ફરે એમ

ઋતુઓ ફરી વળી લોહીમાં...

પુનઃ

હું તરસી ઊઠ્યો

પીઠ પસવારતા મા-ના હાથ માટે!

પાંપણ પાંદડે મોતી લૈને

સવાર

મારી સામે પાછી ઊભી રહી ગઈ!

સ્રોત

  • પુસ્તક : સાંપ્રત ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : રાજેન્દ્ર પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2015