વળાવી આવ્યો તો....
valavi aavyo to....
ભરત ત્રિવેદી
Bharat Trivedi

સાસરિયામાં વળાવેલી દીકરી
ઓચિંતી ઘેર પાછી આવે
ને જે દુખ થાય
તેથીય વિશેષ દુખ તેને
તેની પરત થયેલી કવિતા જોઈને થયું
ટપાલીને હડસેલી મૂક્યો
ચશ્માંનાં કાચ લૂછતો, હીબકાં ભરતો...
બારણું એવું તો જોરથી વાસ્યું કે
છત પર કાન માંડીને બેઠેલી ગરોળી પણ
ફરસ પર આવી પડી
બારીમાંથી ઊગેલા સૂર્યને
એક એવો તો મુક્કો માર્યો,
કે તે ક્ષિતિજ સુધી ફૂલબૉલની જેમ
ફંગોળાઈ ગયો
આંગણામાંના ઝાડને એવી તો રીતે જોયું કે
બાપડું હોટેલના વેઇટરની જેમ
નતમસ્તક ઊભું રહી ગયું
આકાશને પણ એક મુક્કો માર્યો એવો કે
તગારામાં પડે તો ગોબો પડી ગયો
નદીએ જઈ એવું મૂતર્યો કે
નદીમાં પૂર આવી ગયાં
કવિતા પરત આવે ત્યારે બધું બનતું હોય છે!



સ્રોત
- પુસ્તક : શેરીઓ લંબાઈ છે મારા ઘર તરફ (પૃષ્ઠ ક્રમાંક 43)
- સર્જક : ભરત ત્રિવેદી
- પ્રકાશક : ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ
- વર્ષ : 2020