tame gher nathi - Free-verse | RekhtaGujarati

તમે ઘેર નથી

tame gher nathi

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
તમે ઘેર નથી
મણિલાલ હ. પટેલ

વાડ પર બેસીને દૈયડ ગાય છે

વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે

ને તમે ઘેર નથી...

બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે

ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે

ને તમે ઘેર નથી...

ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી

સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે

ને તમે ઘેર નથી...

કેટલા દિવસો પછી એક પતંગિયું

આજે આવ્યું છે ઘરમાં ને

ફરફરે છે હવા શું બધબધે

કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે

ને તમે ઘેર નથી...

પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક

છાતીમાં આરપાર મારમાર

તારતાર વાછંટો વાય છે

ને તમે ઘેર નથી...

શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે

આખ્ખુંયે ઘર હવે ઓગળતું જાય છે

ને તમે ઘેર નથી

વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે

કે તમે ઘેર નથી.

(૦૯–૦૫–૨૦૦૮, શુક્રવાર)

સ્રોત

  • પુસ્તક : સીમાડે ઊગેલું ઝાડવું (પૃષ્ઠ ક્રમાંક 63)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : લજ્જા પબ્લિકેશન
  • વર્ષ : 2011