kawita - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાગવતના આદિ જળમાં

છાતીબૂડ ઊભા રહી સૂર્યને અર્ધ્ય આપતો,

ગીતાના જર્જરિત પૃષ્ઠોની નિશામાં ઘોરતા

ગૃહસ્થીઓની આંખોમાં જાગતો...

નિદ્રસ્થોને શાપતો,

સવાર-બપોર, સાંજ, રાત...

માળા, પૂજા, ધ્યાન, આરતીમાં વ્યાપતો

અષ્ટંપષ્ટં પ્રલાપતો...

ભારેખમ મોં,

ઝગારા મારતું વિદ્વાન કપાળ-કપાળમાં મોટું ત્રિપુંડ

ખભે જનોઈનું ઝૂંડ

ગળામાં રુદ્રાક્ષની માળા

ચરણમાં શ્યામ પાદુકા

દક્ષિણી પાઘડીમાં સંતાઈને પણ

શ્લોક સાથે લયબદ્ધ ફગફગતી શિખા

–આ બધી નિશાનીઓના

વાંકાચૂકા રસ્તાપર હું ચાલી રહ્યો છું,

એને ગોતવા.

પ્રકાંડ પંડિત મારો બાપ હોવાની

મને ચોક્કસ બાતમી મળી છે!

હાલકડોલક છું ત્યારનો.

કહેવાય છે કે :

એક સવારે છાણ વિણવા જતી

અછૂત કન્યાનો પડછાયો પગને સ્પર્શી જતા

પુણ્યાત્માએ ત્રણ દિવસના ઉપવાસ

અને સાત નદીઓનાં જળ મંગાવીને

સ્નાન કરેલું!

અવર્ણ કન્યાપર

ટોળાબંધ હાથોના સવર્ણ આકાશમાંથી

વરસેલા પથ્થરોના ધોધમાર વરસાદની વાત

પછી સૂકાઈ ગઈ’તી.

હું ગોતું છું મારા પુણ્યશાળી બાપને!

મળે તો મારે

આટલું પૂછવું છે :

એક મેઘલી સાંજે,

નદી કાંઠે ખખડધજ શિવાલયનાં

અવાવરુ એકાંતમાં

ફૂટડાં અંગોવાળી

અછૂત કન્યાનાં

કુંવારા ઉદરમાં ઝનૂનપૂર્વક

મને વાવ્યા પછી તમે–

કેટલા દિવસના ઉપવાસ કરેલા?

કેટલી નદીઓનાં પાણી

તમારી સવર્ણ કાયા પર ઠાલવેલાં??

બોલો, બાપુ બોલો...

મને જવાબ આપો!

મને જવાબ...!

મને...!!!

મ......!!!!

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981