pakki not karta raphnot sari - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાક્કી નોટ કરતા રફનોટ સારી

pakki not karta raphnot sari

અનિલ જોશી અનિલ જોશી
પાક્કી નોટ કરતા રફનોટ સારી
અનિલ જોશી

પાક્કી નોટ કરતા રફનોટ સારી

પાક્કી નોટને પૂઠું ચડાવવું પડે

નામ લખવું પડે, રોલનમ્બર લખવો પડે

હાંસિયો રાખવો પડે

કડાકૂટમો કોણ પડે?

રફનોટમાં હાંસિયો નથી હોતો

એટલે કોઈને તમે હાંસિયામાં મૂકી શકો નહિ

લીટીવાળી નોટથી કે કાગળથી

આઘા રહેવું

કવિતા જ્યાં લીટી લઈ જાય ત્યાં જાય તે સારું નથી

કવિતા કોઈથી દોરવાતી નથી

કવિતાને તો સાવ કોરોકટ્ટાક કાગળ ખપે

શબ્દોને નકરું ફ્રીડમ મળે

રફટફ જિંદગી માટે રફનોટ સારી

એમાં ચકૈઈડા ભમેઈડા દોર્યા કરો

પાકા કાગળોના ઘોડાપૂરમાં

સામા પ્રવાહે તરો

કવિતાની રફનોટના કાગળો

ફાડી ફાડીને હું વહાણો બનાવીને

સામાપૂરે તરતા મૂકું છું.

ડર તો પાકા કાગળ અને પાકી નોટનો

જન્મનો દાખલો, સર્ટીફીકેટ, પાસપોર્ટ

એફઆઈઆર, દસ્તાવેજ, એફીડેવીટ

અને ડૉક્યુમેન્ટ

વૃક્ષો પણ આનાથી ડરી જાય

બ્રહ્મપુત્રાના ઘોડાપૂરમાં

ધાવણું છોકરું તણાઈને મરી જાય

તો ચાલશે, પણ મા ડૉક્યુમેન્ટને

છાતીએ વળગાડીને બચાવી લેશે

સ્રોત

  • પુસ્તક : કવિ પાસેથી મળેલી રચના