mare kawita lakhwi chhe - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મારે કવિતા લખવી છે

mare kawita lakhwi chhe

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
મારે કવિતા લખવી છે
દિલીપ ઝવેરી

મારે કવિતા લખવી છે

- નધણિયાત બચરવાળ રઝળતી ગરોદર

જેનું હું ઘર હોઉં

જ્યાં એની જણસને

ખૂણે ખડકી અભરાઈએ અવેરી ખીંટીએ વળગાડી

ગોખલે ગોઠવી પાણિયારે પરઠી

ઝાઝાં જણેતરને પારણેહીંચકેબારીએકઠેડે બેસાડી

ખોળામાં નવજાતને થાબડતી

સામે ઝાંખા આયનામાં દેખાતી જાતને

સાનથી પૂછે

શું રાખવું આનું નામ?

અને હું એના પેટમાં હજી નવા પાંગરતા શબ્દના રવને

મારી ભીતરમાં જે ગરગરતો રહું

એવું ઘર હોઉં જેનું કવિતા મારે લખવી છે

મારે કવિતા લખવી છે

જેનો હું રોટલી હોઉં

કમર કસીને કઠિયારાએ

બેવડ બાવડે લુહારે

કાંડા કડકાવી બજાણિયાએ

આંગળીઓ આંટી વણકરે

ટેરવાં જાળવી મેરાઈએ તારા ટાંકી

પાનીઓ વચ્ચે ચીપી કંસારાએ ચાંદા ત્રોફી

હાંફે હાંફે હમાલે ઊંચકીને

હલેસે હલેસે ખલાસીએ ઉલેચીને

ખોંચી ખોંચી ખાંડાધરે

ખોદી ખોદી મસાણિયાએ

દળીદળીને ગુનેગારે

દાડી વીત્યે રળ્યો હોય

એમ

આખો જનમારો આથડી આવી

મૂંગે મોઢે એકલી બેસીને ચાવે

એવો રોટલો હોઉં જેનો કવિતા મારે લખવી છે

મારે કવિતા લખવી છે

જેનું હું ઓઢણ હોઉં

ભોમકાની ભેળી અવતરી

જેનાં ઓળખીતાં અંગે

ક્યાંક અનોખાં પાંખડી પીંછાંના રંગ ઊઠ્યા

ક્યાંક રોમાંચ થતાં તરણાં ફરક્યાં

ક્યાંક પરસેવા ઝમ્યા રસ ઝર્યા લોહી ફર્યાં

ક્યાં કસાયાં ક્યાંક ઉઝરડાયાં

દેખતાં દેખતાં તસોતસ તરબોળ ફળ ફૂલ્યાં

ક્યાંક લહેર ક્યાંક વળાંક ક્યાંક ઝાંક

ઢાંકી સઘળાંને છતાં છમકલે છતું કરતું

એવું ઓઢણ હોઉં જેનું કવિતા મારે લખવી છે

તારા નક્ષત્રો નિહારિકાઓ કાસાર ન્યૂટ્રોન પ્રોટોન ફોટોન

અને અલોપ થતો સનાતન સમય

મને જાણતાં નથી

એમ જેને હું અજાણ છું

તે કવિતા મારે લખવી છે

જે મારું સકળ હોય

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016