kavitaa kem lakhvii - Free-verse | RekhtaGujarati

કવિતા કેમ લખવી

kavitaa kem lakhvii

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
કવિતા કેમ લખવી
પ્રતિષ્ઠા પંડ્યા

મને ‘થોડી શરમ તો રાખ' કહેવાનું બંધ કર

નહીં કહે મને મારી જીભને કાબૂમાં રાખવાનું

હું ઉતારીને ફેંકું છું તારી કવિતાની પરંપરાઓ,

અને સાહિત્યિક મૂલ્યો ને એક પછી એક

પંક્તિઓ, કડીઓ, અર્ધચરણો, રદીફ, કાફિયા, મત્લા, લય, છંદ, પ્રાસ, અનુપ્રાસ, અપૂર્ણાન્વયો...

મારી છાતીએ વળગેલી તારી આખેઆખી

હરામી બારાખડીને ફાડીને કરું છું લીરા.

મારી જાંઘ વચ્ચેના ઘાવને છુપાવતાં

તારાં શાપિત રૂપકોને પણ ખેંચી તાણું છું.

હા, ફરું છું હું સાવ ઉઘાડી થઈને તારી સભ્ય શેરીઓમાં

શરમ વગરની, નાગી, લોહિયાળ...

અરે ચૂપ કર!

નહીં કહે મને નીચા અવાજે વાત કરવાનું.

સંભાળ...

સાંભળ મારી ચીસો, ગર્જના, મારું આકંદ,

મારા વિસ્ફોટ, સાંભળ ઊંચા અવાજમાં

શબ્દવિહોણું મારું રુદન,

કકળાટ...

જો મને શણગાર વિનાના,

ઘવાયેલા, ચૂંથાયેલા શબ્દોને

ચત્તાપાટ અહીં તારી પવિત્ર જગ્યા પર ગોઠવતી

પેલી બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રીઓનાં શરીરની જેમ - કુકી, મૈતેઈ, દલિત, ક્રિશ્ચિયન, આદિવાસી, હિન્દુ, મુસ્લિમ

બધી એકમેકની અડખેપડખે.

નહીં શિખવાડ મને આજે કે

કવિતા કેમ લખવી.

સ્રોત

  • પુસ્તક : નરસંહારના સમયમાં પ્રેમ (પૃષ્ઠ ક્રમાંક 190)
  • સર્જક : પ્રતિષ્ઠા પંડ્યા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025