maganni hath - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

એટલે હઠે ભરાયલો મગનિયો કે કે મારે તો જીવવું છે.

ગુજરાતી સાહિત્ય તો છક થઈ ગયું.

અલ્યા, એમ કંઈ ચાલે?

એક બાજુ જવાનીઆઓ ગાજ્યા કે અમારા એક્સપેરિમેન્ટલ પિરિયોડિકલ્સનું સુ?

બીજા બાજુ મોટારાઓએ ઠપકો આપ્યો કે આમ તો પછી શતાબ્દીઓ ખૂટી જાય.

બધા કે કે જીવવું હોય તો પછી સાહિત્યના ઘરમાંથી નીકળી જાઓ.

મગનને કે’ કે હા.

કહીને જ્યાં એક પગ ઉમરાની બાર મૂકે છે,

કે એક ચમત્કાર થયો.

ગોખલામાંથી સરસતી માતા બાર નીકળ્યાં ને રાજાને કેય

કે જ્યાં મગન ત્યાં હું.

સરસતી માતાને જોઈ પછી તો પ્રયોગદેવી, સજીવતાસુંદરી,

લયકુમાર ને બધેય કે કે અમે પણ ચાલ્યા, ના માને.

તો કયું કે ઠીક મગનિયા, પડ્યો રે પેલે ખૂણે.

પણ મગનો જેનું નામ.

થોડા દાડા રઈને કે’ કે મારે તો પ્રેમ જોઈએ.

સારુ ભઈ.

તે લઈ ગયા એપોલો સ્ટ્રીટમાં.

સરસ આકારનો ચોક, તેમાં સરસ આકારનું મકાન.

મકાનમાં તાળા ને કૂંચીમાં રાખેલો એક ગુપ્ત ખંડ.

સ્ટેટ બૅન્કના સેફડિપોઝટ વોલ્ટમાં લઈ ગયા મગનને.

શાસ્ત્રમાં લખેલું તેમ પૂજારી સાથે આવ્યો ને મંત્ર ભણી

એક ચાવી મગનને આપી ને એક પોતે રાખી ને પછી તો

‘સિયાવર રામચંદ્રકી જે’ કહી ખાનું ખોલ્યું.

લે પ્રેમ.

મગન સાલો મવાલી છે. કે’ કે પ્રેમ નથી.

પ્રેમ નથી તો સુ છે, સાલા? હરામી!

મોટમોટા ઇનામવિજેતા ને ચંદ્રકધારીઓ પણ અહીંથી

પ્રેમ લઈ જાય છે વાર્તા ને નાટક ને કવિતા બધુ લખવા.

ને તમે નીકળ્યા કેવા પ્રેમ નથી...

સુ છે? સુ છે? પ્રેમ નથી તો સુ છે આ?

સેફડિપોઝિટમાં સા માટે મૂકે બધા?

જોઈએ ત્યારે વાપરે ને પાછા મૂકી જાય, જૂનું ના થાય.

મોટમોટા પ્રોફેસરો વરસોવરસ વાપરે છે ને ઘણાયે

પચી પચી વરસથી વાપરે છે પણ નવું ને નવું.

પણ

મગનિયો હરામી તો હવે કે’

કે મારે જીવવું છે ને મારે પ્રેમ જોઈએ છે.

સારુ ભઈ.

પછી તો ગાંડિયા મગનાને સાહિત્યના ઘરમાં પૂરી રાખ્યો.

એમાં પરદેશી ઢબના જાજરૂ.

બધાય સવારના ઊઠીને કાગળ વાપરે.

બઉ કાગળ જોઈએ :

પણ તો ટાઈમ્સોફીંડિયાના સરદારજી

મોટા મોટા ગોળ વીંટા આપી રાખે, તે લટકાવી રાખીએ.

ને પછી બધા સાહિત્ય સામ્રાટો જૂના ને નવા બધા

વાપરી રયા પછી કાગળની નીચે પોતાની સહી કરે એટલે

છાપા સામયિકોમાં ને આકાશવાણી પરથી

એને વાંચે કે છાપે. ખાવામાં કંઈ આવી ગયું હોય

તો ચાલુ નવલકથા પણ છાપી શકાય.

વરસોવરસ ને વારેતેવારે ખાસ અંકો ને એન્થોલોજી પણ

નીકળે રે એમાંથી જ.

મગનો સાલો સવારે કામ ઠીક કરે.

ભ્રામ મૂરતમાં ઊઠીને કામ નિયમસર પતાવે.

સહી કરવાની ભૂલી જાય

પણ તો સાહિત્યરસિક તંત્રીઓ એની આસપાસ હોય

એટલે તરત નવી કવિતા (એણે ફેંકી દીધી હોય તો પણ)

શોધી કાઢે ને મગન મહાકવિને નામે છપાવે. ક્યારેક પોતાની સહી કરી લે.

(આપડે ત્યાં જનરલી ગુજરાતી સાહિત્યમાં એમ પ્રમાણિકતા બહુ છે.

એમ બીજાની કવિતા બહુ તફડાવે નઈં.)

અને વરસમાં તો મગનને સરકારનું પેલું ઇનામ અને બીજા

પાંચછ સુવર્ણચંદ્રક મળ્યા.

પછી તો જે મેળાવડા! સમારંભની વાત શી? છાપે છાપે

છપાણું કે ફલાણી તારીખે ફલાણે વારે મ્હાકવિ મગન સન્માનસમારંભ

છે, ને નીચેના વક્તાઓ બોલશે, ને પ્રમુખસ્થાને પેલા રેશે, ને મોટી

યાદી નીચે છાપેલી સન્માનસભ્યોની, ખાસ વધારામાં.

બધાય બોલી રયા. શુ ફાઈન બોલ્યા છે.

કોઈ કાફકાનું કેય તો કોઈ માલારમેતાનું કેય તો કોઈ નરસીંમેતાનું,

તો કોઈ ઊંટ ને ગાયના ઇશ્કની વાત કેય ને બધેય

કંઈના કંઈ કિસ્સા કેય ને આનંદ મંગળ ને આનંદ અમંગળ બધુય વરતાયું.

છેલ્લે કોઈને યાદાવ્યુ તો કે’ કે પેલા મગનાને સાલાને બે

મિનિટ બોલવા

દો. પ્રમુખશ્રી તો ઘંટડી લઈને તૈયાર ને કે’ કે એક, દો ને તીન

બોલો!

મગનો, બુધ્ધુનો બામ, બચાડો (દયા આવે હોં!) કેય (એનું એ, બીજુ સુ?), તો કેય કે (ને આયે કવિતાના ઇનામ મલ્યા પછી,

સુ?) તો

કેય કે મારે જીવવું છે. મારે પ્રેમ જોઈએ છે. મારે કવિતા લખવી છે.

(૧૯૭૦)

સ્રોત

  • પુસ્તક : ઓડિસ્યસનું હલેસું (પૃષ્ઠ ક્રમાંક 57)
  • સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 2009
  • આવૃત્તિ : (બીજી આવૃત્તિ)