kalun chhidr - Free-verse | RekhtaGujarati

કાળું છિદ્ર

kalun chhidr

મૂકેશ વૈદ્ય મૂકેશ વૈદ્ય
કાળું છિદ્ર
મૂકેશ વૈદ્ય

હા, હા દૂરબીન કે કશાય વગર

અવકાશમાં જોયું છે મેં

કાળું છિદ્ર.

જેની ગર્તામાં સમાઈ જાય હજાર હજાર પૃથ્વી ગ્રહમંડળ ને નક્ષત્રો એવું

નરી આંખે ઝીલ્યુ છે મારી કીકીમાં.

આઘેથી ટપકું માત્ર

લાગે સાધારણ કાગડો પછી ખુલ્લી પાંખે કાળું બાજને પછી

અણુબોમ્બ લઈ

ધસતું જાણે વિમાન ને પછી......

એમાંથી એકેય નહીં એવું

પડછંદ અને પાશવી.

ચકરાવે ચકરાવે આકાશને આંધળું કરતું

ઊડી ઊડીને આવતું

ને આવે આવે ત્યાં અલેાપ. જાણે ક્યાં? કીકીના ઊંડાણોમાં?

એના પડછાયે થથરી ઊઠ્યું’તું આખું ઘર

ઊંડ્યે જાય છે દૂર

કાળું છિદ્ર થઈ અવકાશમાં

કજળી ગયેલો સૂરજ કપુર કાચલી જેવો

ઘુમાય, પડછાય ચામડી પર

કાળા એના પાશ અગાંગે બાઝયાં છે ચામડી થઈને.

(૧૬-૩-'૯૩)

સ્રોત

  • પુસ્તક : ચાંદનીના હંસ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સર્જક : મૂકેશ વૈધ
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1999