kawino shabd - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિનો શબ્દ

kawino shabd

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
કવિનો શબ્દ
દિલીપ ઝવેરી

એક વાર હું કાગળ ઉપર જંગલ લખું

એટલે એકે એક પાન, ઝાડ, જનાવર, કીડા, કાદવ, માટી, ટેકરીઓ,

ઝરણાં, નદી તળાવ

જ્યાં સુધી ફરી શાહીમાં બોળી

કલમથી બીજો અક્ષર પાડું

ત્યાં સુધી છે ત્યાંનાં ત્યાં રહે

મતલબ કે

હોય તો હોય

અને હોય તો મારે વશ

પછી હું આગ લખું તો બળી જાય.

અને પૂર લખું તો ડૂબી જાય

કાનખજૂરો લખીને કોશેટામાં બાંધું નહીં તો પતંગિયું ઊડે નહીં

પાંદડાં પછી ફરકવું લખું નહીં તો પવન વરતાય નહીં

સાગસીસમની ટોચે સમડીબાજને બેસાડું નહીં તો આકાશ દેખાય નહીં

ગુફામાં લીટા તાણતો માણસ.

તાપણાની વાડ વટાવી જાય નહીં.

રાની પશુની ચરબીમાં અંગારે ખદબદતું માંસ ચાવતો

સડતાં ફળોનો આસવ ચૂસ્યા કરે

એની આસપાસ ખિસકોલીઓ ખિલખિલાટ હસતી રહે

પગને અળસિયાં ગલગલિયાં કરતાં રહે

એનાં જટિયાંમાં જૂ સળવળતી રહે

ભેળી રાખેલી બેત્રણ બાઈયુંની બગલની બાસ એને બરક્યા કરે

જ્યાં લગી હેલિકૉપ્ટર લખી

દૂરબીન પકડાવી તમને ફેરવું નહીં

ત્યાં સુધી મેં કાગળ પર લખેલું જંગલ

જંગલ રહે

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016