juliyat! juliyat! - Free-verse | RekhtaGujarati

જુલિયટ! જુલિયટ!

juliyat! juliyat!

મુકુલ ચોક્સી મુકુલ ચોક્સી
જુલિયટ! જુલિયટ!
મુકુલ ચોક્સી

લવંગની તોતિંગ સુગંધો સાંય સાંય સૂચવે તે સ્થળ પર

પૂરવ જનમના પટને અડીને વહેતાં અનરાધારના જળ પર

ભ્રમર થઈને આવ કે હું ઊભો છું તારા રક્તકમળ પર

એક હલેસાંના બે ટુકડા એક વખત ખોવાઈ ગયા 'તા અંધારાં ઑલિવવનોમાં

તે આજે કાં આમ અચાનક દોમ દોમ ઊમટી આવ્યા છે તારાં પર્વતિયાળ સ્તનોમાં

સર્પ સુખડનો, દંશ સુખડનો

મારો આખો વંશ સુખડનો

અને હવે જો પદ્મછેદની પીડા વગરના ધડ જેવો પડી રહ્યો છું

નાભિનિમ્ને એક સુરાલયે હું

મરીચિકાનો મર્મ ગ્રહીને મરી જતા હાથોને કોઈ

સરનામું આપો લાલ લસોટાતા ચંદ્રોનું

કટિમેખલાથી સ્કંધો પર સરી જતા હાથોને કોઈ

સરનામું આપો રુક્ષ રજોટાતા ચંદ્રોનું

અંધારા વચ્ચે ઇગ્લુની જેમ ફફડતા મદના સોગંદ

બે એકલતા વચ્ચેની ભૂંસાઈ જતી સરહદના સોગંદ

બચી શકો એમ ધીમેથી ક્યાં બળાય છે કે સવાલ ઊઠે

હવે હાથપગ ગ્રીવા અલગ ક્યાં કળાય છે કે સવાલ ઊઠે

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 189)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008