pasing dha pilo - Free-verse | RekhtaGujarati

'પાસિંગ ધ પિલો'

pasing dha pilo

સંસ્કૃતિરાણી દેસાઈ સંસ્કૃતિરાણી દેસાઈ
'પાસિંગ ધ પિલો'
સંસ્કૃતિરાણી દેસાઈ

એક મોટું વિશાળ વર્તુળ બનાવીને

બેસી ગયા છે દિવસો રમત રમવા.

‘પાસિંગ પિલો’ની માફક

‘પાસ’ કર્યા કરે છે સૂર્યને.

વર્તુળમાં બેઠેલા દિવસ

પોતાના બંને હાથમાં પકડેલા સૂર્યને તરત

સરકાવી દે છે બાજુમાં બેઠેલા બીજા દિવસના હાથમાં

ને બીજો દિવસ સરકાવી દે છે ત્રીજાને...

બધાના હાથમાંથી પસાર થતો જાય છે સૂર્ય.

સંગીત વાગવાનું બંધ થાય ને

જેના હાથમાં સૂર્ય રહી જાય

તેને સજા થાય બીકે

સરકાવી દેવાય છે સૂર્ય

બાજુમાં બેઠેલા દિવસને, તરત જ.

વધારે વાર હાથમાં રહી જાય તો ફોલ્લા પડે

રમત અધવચ્ચે મૂકે

તો ભાઈ ભૂલો પડે.

દિવસોએ પરાણે સૂર્યને ‘પાસિંગ પિલો’ બનાવ્યો છે, કે

સૂર્યે દિવસોને પરાણે રમાડવા બેસાડ્યા છે.

કોને ખબર?

સંગીત વાગ્યા કરે છે ને

ઝળહળતો સૂર્ય પસાર થતો જાય છે

એક દિવસના હાથમાંથી

બીજા દિવસના હાથમાં.

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 334)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007