naryo enthwaD - Free-verse | RekhtaGujarati

નર્યો એંઠવાડ

naryo enthwaD

પ્રવીણ દરજી પ્રવીણ દરજી
નર્યો એંઠવાડ
પ્રવીણ દરજી

વાતો થયા કરે છેઃ

આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ

સાચું છે, ખોટું છે

પણ પછી ચોમાસાના કાંપની જેમ ઠરી જાય છે બધું.

ગડમથલ ઘણી રહે છે:

રસ્તે જવું જોઈએ, રસ્તે જવું જોઈએ

એકલા સારું અથવા એકલા સારું નહિ,

ટોળું શું ખોટું છે? અથવા ટોળાથી બહાર -

પણ પછી ખોડાઈ જઈએ છીએ ખોડીબારું બનીને

અથવા તો ખોડીખમચી રમ્યા કરીએ છીએ જીવનભર.

ઘેલછાઓ તો પાર વિનાની હોય છેઃ

તારા તોડી લાવીશું ને પાતાળ ફોડીશું

સાગર ડહોળીશું ને પહાડો ઓળંગીશું

પવન બાંધીશું ને આકાશ આંબીશું

પણ પછી એદીનો અખાડો કે ઓઘડ થઈ જવાય છે

રાફ નીચે રવડ્યા કરીએ છીએ કે ઘાસના ગંજમાં દટાઈ જઈએ છીએ.

આશાઓનું ઓશીકું તો ઓઘરાળું થતું નથી;

ચાલો, આમ નહિ તો આમ

કશુંક સારું થશે જ, બધા દિવસ સરખા હોય

સારાં વાનાં થવાનાં જ, ઈશ્વર જે કરે તે સારા માટે

એક ઝુમ્મર અને બીજું ઝુમ્મર પકડ્યા કરીએ

પણ પછી એક દિવસ ધબાક્ ને બધું કચ્ચર... કચ્ચર.

અરીસામાં જોઈએ છીએ ત્યારે

આપણે કોઈક બીજા બની ગયા હોઈએ છીએ!

નર્યો એંઠવાડ!

રામ! રામ!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 240)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004