mukti - Free-verse | RekhtaGujarati

દવાઓની શીશીઓનો આધાર લઈ ટકી રહેતી જિંદગી નથી ગમતી.

મારાં સ્વપ્નાં બિહામણાં કૂતરાંની જેમ મને કરડે નહિ તેથી

ઘેનમાં પડી રહેવું મને ગમતું નથી.

પગનાં તળિયાંને લીલા ઘાસની સ્મૃતિ સતાવે છે.

મારી આંખો બેચેન છે–ચોરસ આકાશના બટકાથી એને સંતોષ નથી થતો.

‘આ 10 નંબરનો ગયો–13 નંબર Serious છે,’

મને નથી ગમતી ઉદાસ વાતોની અવરજવર.

મને નથી ગમતી ડૉક્ટરોની ઠંડી ઉતાવળ,

સમયની ભૂતાવળ–સફેદ વસ્ત્રોની દોડાદોડી–

ક્લૉરોફોર્મની ગંધ–આ ઈથરની વાસ

મને બેહોશ કરે છે બિછાનાનો સફેદ કારાવાસ!

મને છૂટો કરો હૉસ્પિટલની પીળી ભીંતોથી.

મારે શ્વાસ લેવો છે.

સ્રોત

  • પુસ્તક : આશંકા (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સર્જક : વિપિન પરીખ
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1975