janun chhun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાણું છું...

janun chhun

પ્રબોધ પરીખ પ્રબોધ પરીખ
જાણું છું...
પ્રબોધ પરીખ

જાણું છું, આપણા ચાર હાથોમાં સમાઈ જાય તેવી નાની નથી પૃથ્વી

કે, રસ્તો ઓળંગતાં, અથડાઈને મને તારા સુધી લઈ જતો પવન,

નથી આપણી ખાનગી થાપણ

અને સાંજના પીળા પ્રકાશમાં અજાણતાંથી નાસી જતા શહેરની

બન્ને બાજુએથી

ધસી નીકળતા વાહનવારુઓ, રિક્ષાટાંગાઓ અને સગાંવહાલાં નથી

તારીમારી આત્મયતાના અગ્નિસાક્ષી

જાણું છું,

ઊભરાઈ જતા, વાતવાતમાં વેરાઈ જતા

બારીમાંથી આકાશ લઈ ઊતરી આવતાં તારાં શાંત ઊજળાં રૂપોનું

આમ નથી કોઈ ખાસ નામ કે નથી એનાં કોઈ કામ, કે શહેરની

મહેફિલોમાં પહેરી શકાય તેવાં

નથી તે કોટપાટલૂન

જાણું છું,

આપણે બન્ને રહ્યાં અનેકમાંના એક

બપોરે આથડતા, સવારે છાપાંનાં ઢગલામાંથી ક્યારેક દેશકાળરૂપનું

ઈંડું તોડી

ઑમલેટ બનાવતા, હાથમાં પરોવી હાથ, સહકારી ભંડારમાંથી થેલા લઈ

છેક પહોંચતા ગર્ભદ્વાર સુધી, લાઈટ ઓલવી પંખી નીચે નીંદરના

ખોળે સૂઈ જતાં

એકમાંના અનેક

જાણું છું,

માનું છું, ગાલે તમાચો મારી જાગું છું

આમતેમ હળવાશથી

કાપું છું જાણકારીનાં ઘેરાં ધુમ્મસને

અને તોયે

નાકની ટોચ પર પ્રગટી ઊઠતા તને

પામું છું

આપણા હોવામાં. (મિત્રા માટે)

સ્રોત

  • પુસ્તક : અક્ષરા (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : યોસેફ મૅકવાન
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઈન્ડિયા
  • વર્ષ : 2007