આપણે પ્રવાસી પારાવારના
aapne pravaasii paaraavaarnaa
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

આપણે પ્રવાસી પારાવારના
ઠેબાતા પછડાતા
આપણે પ્રવાસી પારાવારના.
અકબંધ કોચલા જેવા
ક્હોવાયેલા
આપણે પ્રવાસી પારાવારના.
અટકાતા
બટકાતા
સંધાતા સમૂહોમાં
પરસ્પરથી સૂંઘાતા
આપણે પ્રવાસી પારાવારના.
ખભા વગરના હાથ વગરના પગ વગરના
પાછળથી ધક્કાતા
અતીતાતા
આપણે પ્રવાસી પારાવારના
ઉચ્ચારાતા - સંભળાવાતા - સંગ્રહાતા
ભૂંસાતા - ભુલાઈ જવાતા - ઉકેલાતા
આપણે પ્રવાસી પારાવારના.
સંતોના - ભદંતોના - હંતોના - મહંતોના
મનોમાં મનોવાતા
પંથાતા
આપણે પ્રવાસી પારાવારના
આપણે તો દેશ કેવા ગાતા ગાતા દેશાતા
વિદેશાતા
વેશાતા
કાવ્યપુરુષની કિચૂડ કિચૂડ નીકમાં
દિગમ્બરાતા
ભાષાતા
આપણે પ્રવાસી પારાવારના.



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 123)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005